તીસ્તા નદીને લઈને બાંગ્લાદેશનો ચીનને ઠેંગો, વિવાદમાં ભારતની એન્ટ્રી થતાં ડ્રેગન ભડક્યું
Bangladesh Teesta Project : બાંગ્લેદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ અતિ મહત્ત્વના તીસ્તા પ્રોજેક્ટ મુદ્દે આજે મહત્વની જાહેરાત કરી છે. તેમણે આ પ્રોજેક્ટ મુદ્દે ચીનને ઠેંગો દેખાડી ભારત પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો બીજીતરફ આ વિવાદમાં ભારતની એન્ટ્રી થતા ડ્રેગન પણ ભડક્યું છે. દરમિયાન આ પ્રોજેક્ટ અંગે છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ, ચીન અને ભારતમાં ચર્ચાઓ થઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે, આ પ્રોજેક્ટ મેળવવા માટે ભારત અને ચીન બંને થનગની રહ્યા છે, જોકે બાંગ્લાદેશના વડાંપ્રધાને ભારત પર વધુ વિશ્વાસ વ્યક્ત કરી ચીનને મોટો ઝટકો આપ્યો છે. તેમણે આજની પ્રેસ કોન્ફરન્સમાં ભારતને પ્રોજેક્ટ આપવાના ફાયદા પણ ગણાવ્યા છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ એક અબજ ડોલર છે.
શેખ હસીનાએ ચીન અને ભારત બંનેને આપી ઓફર
વડાંપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina)ની રાજધાની ઢાકામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘અમે તીસ્તા પ્રોજેક્ટ માટે ભારત અને ચીન (India And China) બંનેને ઓફર આપી છે. આ પ્રોજેક્ટ માટે ચીને રિસર્ચ કર્યું છે, જ્યારે ભારત ટૂંક સમયમાં રિસર્ચ કરવાની છે. ત્યારબાદ અમે બાંગ્લાદેશના હિતમાં જે પણ નિર્ણય લેવાશે, તે લઈશું.’ આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, ‘આ પ્રોજેક્ટ માટે અમે સૌથી વધુ ભારતને પ્રાધાન્ય આપીશું, કારણ કે ભારતથી જ તીસ્તા નદીમાં જ પાણી આવે છે. જો તેઓ આપણને પાણી આપી રહ્યા છે, જે આપણને જોઈએ છે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમણે કહ્યું કે, આ જ ડિપ્લોમેસી છે, આમાં કંઈપણ છુપાવા જેવું નથી.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ પ્રોજેક્ટ?
તિસ્તા નદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી 54 નદીઓમાંથી એક છે. ભૌગોલિક, રાજકીય દ્રષ્ટિએ તિસ્તા નદી પ્રોજેક્ટ ભારત માટે ઘણું મહત્વ ધરાવે છે. જો આવા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી વધી જાય તો ભારત માટે તે ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે સંવેદનશીલ ચિકન નેક કોરિડોર તેની એકદમ નજીક જ છે.
શેખ હસીનાના નિર્ણયથી વિપક્ષો નારાજ, મચાવ્યો હતો હોબાળો
ઉલ્લેખનીય છે કે, ગત મહિનામાં વિરોધ પક્ષના અન્ય નેતાઓએ આ બાબતે હોબાળો મચાવ્યો હતો અને શેખ હસીનાના નિર્ણયને વખોડયો. શેખ હસીના આ ટર્મમાં ભારતને વધારે લાભ આપીને દેશની વિદેશનીતિમાં સંતુલન ખોરવશે એવુંય કેટલાય નેતાઓએ કહ્યું હતું. એ નેતાઓનો ઈશારો ચીન તરફ હતો. ભારતની જેમ ચીન સાથે બાંગ્લાદેશના સુમેળભર્યા સંબંધો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર થાય છે. એટલું જ નહીં, ચીનની કંપનીઓ બાંગ્લાદેશમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. બાંગ્લાદેશનું ચટ્ટોગ્રામ બંદર અત્યારે ચીન વિકસાવી રહ્યું છે. બાંગ્લાદેશનો મોટાભાગનો વેપાર આ બંદરના માધ્યમથી થાય છે. વિપક્ષોએ એવો તર્ક આપ્યો હતો કે, ભારત સાથે વધુ નિકટતાથી ચીન નારાજ થશે અને ચીનનું રોકાણ દેશમાં ઘટશે. બાંગ્લાદેશે બંને દેશો વચ્ચે સંતુલન જાળવી રાખવું જોઈએ.