બાંગ્લાદેશમાં સત્તાપલટો : ભાગીને ભારત આવ્યા શેખ હસીના, NSA ડોભાલે કરી મીટિંગ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Bangladesh PM


Bangladesh PM flies to India : અનામત હટાવવાની માંગ સાથે શરુ થયેલ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન ઢાકા છોડીને ભારત આવી ગયા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હવે સેના દ્વારા વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

NSA અજીત ડોભાલે હસીના સાથે કરી મુલાકાત 

શેખ હસીના ઢાકાથી ભાગીને ભારતના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ તેમની સાથે મુલાકાત કરી હતી. ભારતના NSA અજીત ડોભાલ પણ શેખ હસીનાને મળવા માટે પહોંચ્યા હતા. આશરે એકથી દોઢ કલાક સુધી બંને વચ્ચે બેઠક ચાલી હતી. 

શેખ હસીના ભારતમાં જ આશરો લેશે કે પછી કોઈ બીજા દેશમાં જશે તેને લઈને હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે હાલ તો ભારતના જવાનો જ શેખ હસીનાને સુરક્ષા આપી રહ્યા છે. 

આવતીકાલે સંસદમાં એસ. જયશંકર આપી શકે છે નિવેદન
એવામાં બીજી તરફ એવી પણ શક્યતા છે કે બાંગ્લાદેશની સમગ્ર પરિસ્થિતિ મામલે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આવતીકાલે સંસદમાં વિસ્તૃત નિવેદન આપી શકે છે. ભારત આ મુદ્દે શું વલણ અપનાવશે તે પણ જયશંકર આવતીકાલે સ્પષ્ટ કરી શકે છે. 

પરિસ્થિતિ અત્યંત ગંભીર
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ હવે વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા છે. ઇન્ટરનેટ બંધ, કર્ફ્યૂ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. રસ્તા પરથી પોલીસને હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે. 

રાજીનામું આપ્યું, સેના ચલાવશે સરકાર
બીજી તરફ બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર શેખ હસીના ભારત તરફ રવાના થયા તે પહેલાં તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં સેના દ્વારા પણ આ મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી. સેનાએ જાહેરાત કરી છેક એ હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવી અમે શાસન કરીશું. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં દાખલ થઈ ગયા છે. 

સેનાના હેડક્વાર્ટરમાં હાઇલેવલ મીટિંગ
શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષાદળોને આગ્રહ કર્યો છે કે સત્તા પલટો કરવાના પ્રયાસોને રોકે. બાંગ્લાદેશના સત્તારુઢ પક્ષ આવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે સેનાના હેડક્વાર્ટરમાં બેઠક થઈ રહી છે. 

નોંધનીય છે કે હિંસક પ્રદર્શનમાં છેલ્લા 48 કલાકમાં જ બાંગ્લાદેશમાં 100થી વધુ લોકોના મોત થયા છે. નોંધનીય છે કે આવા જ દૃશ્યો થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં પણ જોવા મળ્યા હતા. ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો શ્રીલંકાના રાષ્ટ્રપતિના આવાસમાં ઘૂસી ગયા હતા. 

કઈ રીતે શરુ થયું આંદોલન
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નામે શરુ થયેલ આંદોલન બાદમાં હિંસક ગૃહયુદ્ધમાં ફેરવાયું હતું. સૌથી પહેલાં શિક્ષણમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે આંદોલન શરુ થયું હતું. બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને અનામત આપવામાં આવે છે. 

કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને અનામત ઘટાડી દીધું હતું. જો કે ત્યાર બાદ પણ હિંસક પ્રદર્શનકારીઓ શાંત થયા નહીં. પ્રદર્શનકારીઓએ પછી શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે આંદોલન શરુ કર્યું હતું. 

લોકોએ પોલીસ સ્ટેશનો, સત્તારુઢ પક્ષના કાર્યાલયો, નેતાઓ પર હુમલા કર્યા. હજારોની સંખ્યામાં વાહનો સળગાવી નાંખવામાં આવ્યા. સરકારે ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

શું હિંસા ફાટી નીકળવા પાછળ પાકિસ્તાનની ISIનો હાથ?
આ વચ્ચે હવે સવાલ એ થાય છે કે, શું બાંગ્લાદેશમાં થયેલી હિંસા પાછળ પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)નો હાથ છે? બાંગ્લાદેશમાં 'છાત્ર શિબિર' નામના વિદ્યાર્થી સંગઠને હિંસા ભડકાવી હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામીની શાખા છે. એવી પણ માહિતી છે કે, જમાત-એ-ઇસ્લામીને પાકિસ્તાનની ISIનું સમર્થન છે. બીજી બાજુ બાંગ્લાદેશ સરકાર તપાસ કરી રહી છે કે, શું ISIએ પણ વર્તમાન પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કર્યો છે કે કેમ...

હાલ બાંગ્લાદેશની હિંસા વર્ષ 1975માં થયેલી લોહિયાળ ઘટનાની યાદ અપાવે છે. તે સમયે શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ મુજીબુર રહમાનની હત્યા કરવામાં આવી હતી અને હસીનાએ ભારતનો આશરો લેવો પડ્યો હતો.

પરિવારના 18 લોકોની હત્યા કરાઈ હતી
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947માં ઢાકામાં થયો હતો. તેમના પિતા બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન હતા. તેમનું પ્રારંભિક જીવન ઢાકામાં પસાર થયું હતું. વિદ્યાર્થી નેતા તરીકે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ યુનિવર્સિટી ઑફ ઢાકામાં સ્ટુડન્ટ પોલિટિક્સમાં ખૂબ સક્રિય હતા. તે સમય દરમિયાન લોકોથી પ્રશંસા મળ્યા બાદ હસીનાએ તેમના પિતાના પક્ષ આવામી લીગના સ્ટુડન્ટ વિંગની જવાબદારી સંભાળી હતી. આ બાદ તેમના જીવનના ખરાબ તબક્કાની શરુઆત થઈ હતી. વર્ષ 1975માં સેનાએ બાંગ્લાદેશમાં સત્તાપક્ષ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને હસીનાના માતા-પિતા અને ત્રણ ભાઈઓ સહિત પરિવારના 18 લોકોની હત્યા કરાઈ હતી. જો કે, બળવા દરમિયાન શેખ હસીના, તેમના પતિ વાજીદ મિયાં અને તેમની નાની બહેનનો જીવ બચી ગયો હતો.

પિતાની હત્યા બાદ ભારતમાં શરણ
પરિવારના સભ્યોની હત્યા બાદ શેખ હસીના થોડાંક સમય માટે જર્મની જતાં રહ્યા હતા. તે સમયે શેખ હસીનાના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધ હતા. હસીનાના મુશ્કેલ સમયમાં ઇન્દિરા ગાંધીએ તેમને ભારતમાં શરણ આપ્યું હતું, ત્યારબાદ તેઓ થોડાંક વર્ષો સુધી દિલ્હીમાં રહ્યા હતા. વર્ષ 1981માં તેઓ પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા હતા. જેના પછી તેમણે તેમના પક્ષની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1968માં તેમણે ભૌતિક વૈજ્ઞાનિક એમ. એ. વાજીદ સાથે લગ્ન કર્યા હતા. શેખ હસીના અને વાજીદ મિયાંના બે સંતાનો છે જેમાં પુત્ર સજીબ વાજેદ અને પુત્રી સાઇમા વાજેદ છે.

ચાર વાર વડાપ્રધાન બન્યા
શેખ હસીના જાન્યુઆરી 2009થી સતત બાંગ્લાદેશના વડાપ્રધાન હતા. તેમણે વર્ષ 1986થી 1995 સુધી વિપક્ષના નેતા તરીકે પણ કામગીરી કરી હતી. પ્રથમવાર તેઓ વર્ષ 1996માં બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. તેમના પ્રથમ તબક્કાનો કાર્યકાળ 1996થી 2001 સુધી હતો. આ દરમિયાન તેઓ સ્વતંત્રતા બાદથી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા પહેલાં વડાપ્રધાન પણ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2009થી સતત ત્રણ તબક્કાથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા હતા. હવે 5 ઑગસ્ટે તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપતાં સમગ્ર વિશ્વનું ધ્યાન બાંગ્લાદેશ પર કેન્દ્રિત થયું છે.

શેખ હસીના નામે આટલા ઍવૉર્ડ
શેખ હસીના તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન ઘણાં ઍવૉર્ડ તેમના નામે કરી ચૂક્યા છે. વર્ષ 1998માં તેમને મધર ટેરેસા બાય ઓલ ઇન્ડિયા પીસ કાઉન્સિલ ઍવૉર્ડ, 1998માં જ એમ. કે. ગાંધી ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત વર્ષ 2000માં ધ પર્લ બર્ડ ઍવૉર્ડ, 2009માં ઇન્દિરા ગાંધી પ્રાઇઝ, વર્ષ 2014માં યુનેસ્કો શાંતિ વૃક્ષ ઍવૉર્ડ, વર્ષ 2015માં લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News