જો બાંગ્લાદેશને કંઈ થયું તો ભારતના બંગાળમાં...: બે દેશોના સંબંધોમાં તિરાડ લાવી શકે છે યુનુસનું આ નિવેદન

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Muhammad Yunus with PM Modi



Bangladesh India Relation: બાંગ્લાદેશની સેનાના સમર્થનથી નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે હવે બાંગ્લાદેશની કમાન સંભાળી છે અને દેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા છે. જો કે, સત્તામાં આવતા જ મોહમ્મદ યુનુસે ભારતને ચેતવણીજનક સંદેશ આપ્યો છે. એક ઇન્ટરવ્યુમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે વાત કરતી વખતે તેમણે કહ્યું કે, જો બાંગ્લાદેશમાં અસ્થિરતા આવી તો મ્યાન્મારની સાથે સાથે ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થશે. મોહમ્મદ યુનુસનો આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેમના આ નિવેદનથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા જણાઇ રહી છે.

શેખ હસીનાના વિરોધી છે યુનુસ

નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસ શેખ હસીનાના કટ્ટર વિરોધી છે. યુનુસે બાંગ્લાદેશ આવતા પહેલાં જ વિવાદીત ઇન્ટરવ્યુ આપ્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન મોહમ્મદ યુનુસે ભારતને ચેતવણી આપવા ઉપરાંત શેખ હસીના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં ઘણાં વર્ષોથી કાયદાકીય વ્યવસ્થા ન હતી, જે કારણે દેશ હાલ અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થવાને લીધે જ શેખ હસીનાના રાજીનામાંની માગ ઉભી થઇ હતી. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં કાયદો અને વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવાનું હશે. વધુમાં તેમણે કહ્યું કે, જો બાંગ્લાદેશમાં અસ્થિરતા આવી તો મ્યાન્માર અને તેની સાથે ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થશે.

આ પણ વાંચોઃ શેખ હસીનાએ નથી આપ્યું રાજીનામું? પુત્રનો દાવો, હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે

મોહમ્મદ યુનુસે ભારતના નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું હતું

આ પહેલા મોહમ્મદ યુનુસે ભારતે હિંસા અંગે આપેલા નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે બાંગ્લાદેશમાં ગયા મહિને હિંસા થઈ હતી, ત્યારે ભારતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘અમે આને બાંગ્લાદેશની ઘરેલું મામલો માનીએ છીએ.’ આથી યુનુસે ભારતની પ્રતિક્રિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'જ્યારે ભારત કહે છે કે આ ઘરેલું મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલું બાબત કેવી રીતે કહી શકો?'

ઘૂસણખોરી અટકાવવા BSF એલર્ટ પર

બાંગ્લાદેશમાં હિંસાની શરૂઆત અને હસીના સરકારના અંત બાદ થી જ બીએસએફ હાઇ એલર્ટ પર છે. બાંગ્લાદેશમાં અસ્થિરતા સર્જાતા અત્યારસુધી 500થી વધુ બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેમને અટકાવ્યા હતા અને બાંગ્લાદેશ સેનાને પરત સોંપ્યા હતા. ઉત્તર બંગાળ ફ્રન્ટિયરના જણાવ્યા અનુસાર, આ લોકોએ બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયોસ કર્યો હતો.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામું, સરકાર સાથે ચર્ચા કર્યા વિના ફૂલ કોર્ટ બેઠક બોલાવતા મામલો બિચક્યો

હિંસક ટોળા વિરૂદ્ધ કકડ કાર્યવાહીનો આદેશ

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોલીસને હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી સૌથી મહત્વપૂર્ણ બાબત છે.


Google NewsGoogle News