Get The App

બાંગ્લાદેશ : હિન્દુ કાઉન્સીલરો સહિત 100થી વધુ હિન્દુઓની હત્યા : કાલી મંદિરમાં તોડફોડ કરાઈ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ : હિન્દુ કાઉન્સીલરો સહિત 100થી વધુ હિન્દુઓની હત્યા : કાલી મંદિરમાં તોડફોડ કરાઈ 1 - image


- હવે તે નિશ્ચિત : તોફાનો પાક-ચીન જ કરાવે છે

- રંગપુર સિટી કોર્પોરેશનના કાઉન્સીલર હર્ષવર્ધન રૉય ઉપરાંત કાજલ રૉયની પણ તોફાનીઓએ હત્યા કરી

ઢાકા, નવી દિલ્હી : બાંગ્લાદેશમાં બંગ-વાટીનીના જવાનોના કુટુંબીજનોએ આરક્ષણ આપવાના મુદ્દે વિદ્યાર્થીએ શરૂ કરેલુ આંદોલન હિંસક બની ગયું છે. તેમાં અન્ય શખ્સો પણ જોડાયા છે. નક્કર વાસ્તવિકતા તે છે કે તે આરક્ષણ વિધેયક પાછુ ખેંચાયું હોવા છતાં વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો બાંગ્લાદેશમાં ભારત તરફી વડાપ્રધાન અને બાંગ્લાદેશના આઝાદી-આંદોલનના અગ્રણી શેખ મુજીબ ઉર- રહેમાનના પુત્રી શેખ હસીના સામે હવે આ અરાજક તત્વો રણે ચઢયા છે. તેઓ તેમનું ત્યાગ પત્ર માગી રહ્યા છે.

તે રમખાણો હવે માત્ર સરકાર વિરૂધ્ધ જ ન રહેતાં હવે હિન્દુઓ તરફ વળી ગયા છે. અરાજક તત્વોએ બે હિન્દુઓ કાઉન્સિલરો સહિત હજી સુધીમાં ૧૦૦થી વધુ હિન્દુઓની હત્યા કરી છે. અને કાલી મંદિર તથા ઇસ્કોન મંદિરો સહિત કેટલાએ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી છે.

આ રમખાણોમાં માર્યા ગયેલા રંગપુર સીટી કોર્પોરેશનના કાઉન્સિલર હર્ષવર્ધન રૉય તેમજ અન્ય  કાઉન્સિલર કાજલ રૉયની પણ હત્યા કરાઈ છે. કાજલ રૉયને તો ગોળીથી ઠાર મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રવિવારે સાંજે તો આ રમખાણો હાથ બહાર ગયા હતા. પોલીસની બેરીકેડસ પણ તોડી રમખાણકારો ધસી ગયા હતા. તેઓએ રંગપુરમાં તો આતંક મચાવી દીધો હતો. ત્યાં રહેલા કાલી મંદિર તથા ઇસ્કોન મંદિરમાં પણ ભારે તોડફોડ કરી હતી. આ દર્શાવે છે કે આ પાછળ પાકિસ્તાનનો જ હાથ છે. સંભવ તે પણ છે કે તેને (પાકિસ્તાનને) ચીને  જ ચઢાવ્યું હોય.

વાસ્તવમાં પાકિસ્તાનમાં તો હવે ખાવા ધાન નથી રહ્યું તેવે સમયે પાકિસ્તાનના શાસકો જનતાનું ધ્યાન બીજે દોરવા આ તોફાનો કરાવી રહ્યું છે તે નિશ્ચિત બની ગયું છે. નહીં તો તોફાનીઓ મંદિરોમાં પણ તોડફોડ શા માટે કરે ? આમ છતાં કેટલાએ હિન્દુઓએ તોડફોડ થઈ ગયેલા મંદિરોમાં સ્વબચાવ માટે આશ્રય લીધો છે.

પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, આંદોલનનું મૂળ કારણ એક તરફ રહી ગયું છે. આંદોલનો ધર્માંધતા તરફ વળી ગયા છે.

આ તોફાનોમાં માર્યા ગયેલા હર્ષવર્ધન રૉય રંગપુર શહેરના વોર્ડ-૪ ના પરશુરામ થાણા આવામી લીગના જ કાઉન્સિલર હતા. તેવી જ રીતે રંગપુરના એક અન્ય હિન્દુ બાંગ્લાદેશ કાજલ રૉય પણ આ વ્યાપક રમખાણોના ભોગ બન્યા હતા. તેઓને ગોળીથી ઠાર મારવામાં આવ્યા હશે તેમ પણ કહેવાય છે.

છેલ્લા કેટલાયે દિવસોથી બાંગ્લાદેશ ભડકે બળે છે. રવિવાર સાંજના ૬ વાગ્યાથી ત્યાં ઘણા શહેરોમાં કરફયુ લાદવામાં આવ્યો છે. સરકારે શાળા-કોલેજો તો બંધ કરાવી જ દીધા છે. પરંતુ તોફાનો વ્યાપક બનતા બેંકો તથા સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ ત્રણ દિવસ માટે બંધ જાહેર કરી છે. જો કે હોસ્પિટલ્સ, પાણી, ગેસ અને ઇલેકટ્રીસીટી જેવી જરૂરી સેવાઓ ચાલુ રાખી છે.

આ તોફાનોને પરિણામે ૩૦૦થી વધુના જાન ગયા છે. આ આંક પોલીસ, ડોકટર્સ અને હોસ્પિટલોએ આપેલી માહિતી ઉપરથી તારવવામાં આવ્યો છે.

ભારતે તેના નાગરિકોને બાંગ્લાદેશ ન જવા જણાવી દીધું છે અને ભારતીયો અત્યારે ત્યાં હોય જ તેઓને વિદેશ મંત્રાલયે ખૂબ જ સાવચેત રહેવા માત્ર અને માત્ર અનિવાર્ય કારણોસર ઘરની બહાર ન નીકળવા સૂચના આપી દીધી છે.

દરમિયાન રમખાણકારોએ દેશના જુદા જુદા ભાગમાંથી ઢાકા તરફ લોંગ માર્ચ કરવા આદેશ આપ્યો છે. આ લોંગ માર્ચ શબ્દ જ ચીનમાં માઓત્સે-તુંગે આપેલા લોંગ-માર્ચના આદેશ પરથી લેવામાં આવ્યો છે. વાત સીધી છે, ચીનનો તે રમખાણો પાછળ હાથ છે. તે શેખ હસીનાને ઉથલાવી ત્યાં તેની કઠપૂતળી સરકાર રચી ભારત ઉપર ભીતી નાખવા માગે છે. સાથે અતગાંવ (ચિત્તગોંગ) અને કોક્ષ બજારના બંદરો પર પોતાના નેવલ અને અન્ય લશ્કરી મથકો સ્થાપી બંગાળના ઉપસાગર પર પોતાનો કબજો જમાવવા માગે છે.

મોડેથી મળતા અહેવાલો જણાવે છે કે શેખ હસીનાએ તેઓનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી અન્ય સલામત સ્થળે ચાલ્યા ગયા છે. તેઓ ત્યાગપત્ર આપે તેવી પૂરી સંભાવના છે. જો ત્યાગ પત્ર આપશે તો તેઓ ભારતમાં આશ્રય લેશે તે પણ પૂરી સંભાવના છે.

રમખાણકારો શેખ હસીનાનાં સત્તાવાર પેલેસમાં ઘૂસી ગયા હતા. ત્યાં ઇન્ટરનેટ તો બંધ જ છે.

શેખ હસીના દેશ છોડી ચાલ્યા ગયા છે. સૈન્યના વડાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.


Google NewsGoogle News