બાંગ્લાદેશમાં નવી સરકારની ભારતવિરોધી પ્રવૃત્તિઓ શરૂ, કટ્ટરવાદી સંગઠનો સામેના પ્રતિબંધ હટાવ્યાં

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં નવી સરકારની ભારતવિરોધી પ્રવૃત્તિઓ શરૂ, કટ્ટરવાદી સંગઠનો સામેના પ્રતિબંધ હટાવ્યાં 1 - image


Bangladesh News | બાંગ્લાદેશમાં શેખ હસીના સામે બળવા બાદ પરિસ્થિતિ બદલાઇ રહી છે, હવે કટ્ટરવાદી સંગઠનોને દેશની વર્તમાન વચગાળાની સરકાર ખુલ્લી છૂટ આપી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. મોહમ્મદ યુનુસની આગેવાનીમાં બનેલી સરકારે ભારત વિરોધી કટ્ટરવાદી સંગઠનો પરનો પ્રતિબંધ હટાવવાનું શરૂ કરી દીધુ છે. ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામી અને તેના સંગઠનો પર પ્રતિબંધ હટાવ્યો સાથે જ અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (એબીટી)ના પ્રમુખ જશીમુદ્દીન રહમાનીને પણ પેરોલ પર છોડી મુક્યો. જશીમુદ્દીન અને તેનુ સંગઠન અલકાયદા સાથે લિંક ધરાવે છે.

શેખ હસીના જ્યારે સત્તામાં હતા ત્યારે કટ્ટરવાદી સંગઠનો અને પાકિસ્તાન સમર્થક સંગઠનો પર તેમણે મોટા પાયે અભિયાન ચલાવ્યું હતું. હવે જ્યારે તેઓ સત્તા પર નથી અને હાલ ભારતની શરણે છે ત્યારે વિપક્ષના ઇશારે વર્તમાન વચગાળાની બાંગ્લાદેશ સરકાર કામ કરવા લાગી હોવાની ચર્ચા છે. આ સાથે જ ભારત વિરોધી કટ્ટરવાદીઓને પણ છોડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં છોડાયેલા જશીમુદ્દીન પર ઢાકામાં એક બ્લોગરની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. તેનુ સંગઠન ભારતમાં આતંકવાદ ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યું છે. તેના પર ભારતમાં સ્લીપર સેલની મદદથી આતંકી પ્રવૃત્તિઓ ફેલાવવાનો આરોપ પણ છે.  

દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાંગ્લાદેશમાં એક ટીમ મોકલવામાં આવશે જે માનવ અધિકારોના ભંગના કેસોની તપાસ કરશે. તાજેતરમાં બળવો થયો તે સમયે અનેક લોકો માર્યા ગયા હતા તેની પણ તપાસ કરવામાં આવશે. બાંગ્લાદેશના વર્તમાન વડા મોહમ્મદ યુનુસ દ્વારા ટીમ મોકલવા આમંત્રણ મળ્યું છે તેમ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોના કમિશનર વોલ્કર તુર્કે કહ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ હતી. 

ભારતે બાઇડેન સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. બન્ને દેશો દ્વારા જારી પ્રેસનોટમાંથી ભારતની પ્રેસનોટમાં તેનો ઉલ્લેખ છે જ્યારે અમેરિકાની પ્રેસનોટમાં બાંગ્લાદેશનો કોઇ ઉલ્લેખ નથી. એવામાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે વાતચીત બાદ જારી થતી પ્રેસનોટમાં સંયુક્ત નિવેદનો નથી હોતા, કે જેમાં તમામ શબ્દોનો સમાવેશ કરવામાં આવતો હોય. બન્ને દેશોના વડાઓની વાતચીત જુદી જુદી હોઇ શકે છે. જો કોઇ પ્રેસનોટમાં વાતચીતનો ઉલ્લેખ ના હોય તો તેનો અર્થ એમ નથી થતો તે કોઇ વાતચીત નહોતી થઇ.

ભારતમાં આયોજીત એર એક્સરસાઇઝમાં બાંગ્લાદેશ ના જોડાયું

બાંગ્લાદેશે ભારતમાં ચાલી રહેલી મલ્ટીનેશન એર એક્સરસાઇઝ  તરંગ શક્તિના બીજા તબક્કામાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. આ એક્સરસાઇઝ જોધપુરમાં ૩૦મી ઓગસ્ટના રોજ શરૂ થઇ હતી. જોકે બાંગ્લાદેશ એરફોર્સના અધિકારીઓએ અંતિમ સમયે સામેલ નહીં થવાનો નિર્ણય લઇને આશ્ચર્ય સર્જ્યું હતું. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ માટે છોડવામાં આવેલી જગ્યા શ્રીલંકાને આપવામાં આવી હતી.

 શ્રીલંકાએ પોતાના સી-૧૩૦ વિમાન સાથે ભાગ લેવા માટે આ પગલુ ભર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ગ્રીસ, સિંગાપુર અને યુએઇ પણ સામેલ થયા હતા.


Google NewsGoogle News