શેખ હસીના સાથે 'હેત' તોડવા બાંગ્લાદેશના નેતાની ભારતને ચેતવણી
- હસીના ક્યાં સુધી ભારતમાં રોકાશે તે અંગે કેન્દ્ર સરકાર મૌન
- શેખ હસીના સરકાર વિરોધી દેખાવોમાં 1,000થી વધુ લોકોનાં મોત થયા, 400થી વધુએ આંખો ગુમાવી : વચગાળાની સરકાર
ઢાકા : પૂર્વ રાજદૂતો, સરકારી અધિકારીઓ, નેતાઓ અને થિંક-ટેંક સાથે મળીને ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે ભૂતકાળ ભૂલાવીને બાંગ્લાદેશ સાથે નવેસરથી સંબંધો બાંધવા જોઈએ તેમજ શેખ હસીના સાથે સંબંધો તોડી નાંખવા જોઈએ તેવી ચેતવણી બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના વરિષ્ઠ નેતાએ ગુરુવારે આપી હતી. બીજીબાજુ વચગાળાની સરકકારના મુખ્ય સલાહકાર નુરજહાં બેગમે જણાવ્યું કે, શેખ હસીનાની સરકાર વિરોધી દેખાવોમાં ૧,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.
શેખ હસીના સરકાર વિરોધી દેખાવોમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવતા હોવાનો મુદ્દો ભારતે ઉઠાવ્યાના દિવસો પછી ખાલેદા ઝિયાના નેતૃત્વની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના વરિષ્ઠ નેતા અમિર ખસરુ મહમુદ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશમાં લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો તેમની આંતરિક બાબત છે. આ સાથે તેમણે પડોશી દેશ ભાર સાથે મજબૂત સંબંધોની ભલામણ કરી હતી.
તેમણે કહ્યું કે, ભૂતપૂર્વ રાજદ્વારીઓ, સરકારી અધિકારીઓ, નેતાઓ અને થિંક-ટેન્કની ઈકોસિસ્ટમે ભારત સરકારના મનમાં એવું ઠસાવી દીધું કે શેખ હસીનાના નેતૃત્વમાં અવામી લીગ વિના બંને દેશોના સંબંધો કથળી જશે. ચૌધરીએ કહ્યું કે, બાંગ્લાદેશ પડોશી દેશ ભારત સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે, પરંતુ ભારત બાંગ્લાદેશના લોકોની નાડ પારખવામાં નિષ્ફળ ગયો. આથી જ તે દેશમાં એક જ પક્ષ અવામી લીગ અને તેના નેતા શેખ હસીનાનું સમર્થન કરતો રહ્યો.
તેમણે ઉમેર્યું કે આ ઈકોસિસ્ટમે ભારત સરકારમાં એવો ભ્રમ પેદા કરી દીધો કે અવામી લીગ સત્તા પર નહીં હોય તો ભારત માટે સુરક્ષાનો મુદ્દો ઊભો થશે, સત્તા કટ્ટરવાદીઓના હાથમાં જતી રહેશે, હિન્દુઓ જોખમમાં મુકાઈ જશે. આ બધી બાબતોથી ભારત ગેરમાર્ગે દોરાયું હતું. જોકે, હવે ભારતે શેખ હસીના સાથેના સંબંધો તોડી નાંખવા જોઈએ. ભારતે જૂના લોકોને છોડીને બાંગ્લાદેશના લોકોની નાડ પારખવી જોઈએ અને લોકો સાથે સંબંધો બનાવવા જોઈએ. બાંગ્લાદેશ પણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે.
દરમિયાન વચગાળાની સરકારના સ્વાસ્થ્ય સલાહકાર નુરજહાં બેગમે જણાવ્યું હતું કે, શેખ હસીના સરકાર વિરુદ્ધના દેખાવો દરમિયાન દેશભરમાં ૧,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા જ્યારે ૪૦૦થી વધુ લોકો પોલીસ ગોળીબારમાં અંધ થઈ ગયા. નુરજહાં બેગમે જણાવ્યું કે, અનેક પોલીસ કર્મચારીઓ પણ દેખાવો સમયે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની સારવાર કરાઈ હતી.