શેખ હસીનાને સોંપી દો, નહીંતર...: બાંગ્લાદેશે ફરી ભારતને આપી ચીમકી
Image Source: Twitter
Sheikh Hasina: ભારતમાં શરણાર્થી બનીને રહી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને બાંગ્લાદેશ સતત નિવેદનો આપી રહ્યું છે. ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ફરી એક વખત ભારતને ચીમકી આપી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં કાયદા મંત્રી આસિફ નઝરુલે શુક્રવારે ભારતને ચીમકી આપતા કહ્યું હતું કે, 'શેખ હસીનાને સોંપી દો તેમનું પ્રત્યાર્પણ જરૂરી છે અને જો ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણનો ઈનકાર કરશે તો અમે તેનો સખત વિરોધ કરીશું.'
બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે ગુરુવારે શેખ હસીના વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનના કેસમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે શેખ હસીનાને 18 નવેમ્બર સુધીમાં પોતાની સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ હવે કાયદા મંત્રી દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી છે.
બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા નઝરુલે કહ્યું કે, 'અમારી પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ઘણી કાયદાકીય વ્યવસ્થાઓ છે.' ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલાથી જ પ્રત્યાર્પણ સંધિ છે. જો કે, ભારત અન્ય નિયમોનો હવાલો આપીને ઈનકાર કરી શકે છે, પરંતુ જો ઈમાનદારીથી જોવામાં આવે અને કાયદા પ્રમાણે ચાલવામાં આવે તો ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બંધાયેલું છે.
શેખ હસીના સુરક્ષાના કારણોસર ભારતમાં છે: વિદેશ મંત્રાલય
શેખ હસીના પર વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ છે. તેમની સામે 200થી વધુ કેસ પેન્ડિંગ છે. શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ સુરક્ષાના કારણોસર અહીં હાજર છે. શેખ હસીના 5 ઓગસ્ટના રોજ તેમની નાની બહેન સાથે ભારત આવી ગયા હતા, અને ત્યારથી તેમને અહીં એક અજાણ્યા સ્થળ પર રાખવામાં આવ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ ટ્રિબ્યુનલનું શેખ હસીના અને 45 લોકો વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ
શેખ હસીનાને ભારત લાવવા અંગે બાંગ્લાદેશમાં સતત નિવેદનો અપાઈ રહ્યા છે. વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી તૌહીદ હુસૈને સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, 'શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા મોકલવા કે નહીં તે ભારત નક્કી કરશે.' આ ઉપરાંત અન્ય એક નેતાએ કહ્યું કે 'ભારતે શેખ હસીનાને શરણ આપવી એ ગુનેગાર અને હત્યારાને શરણ આપવા સમાન છે.'
છેલ્લા 11 વર્ષથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા 11 વર્ષથી પ્રત્યાર્પણ સંધિ છે. બાંગ્લાદેશ સાથે આ સંધિને સરળ બનાવવા માટે બંને દેશોએ ધરપકડ વોરંટ અને પુરાવા શેર કરવાના નિયમોને ખતમ કરી દીધા હતા. જો કે, આ સંધિમાં એવો પણ નિયમ છે કે જો કોઈ રાજકીય અપરાધ સાથે સંબંધિત વ્યક્તિના પ્રત્યાર્પણનો પ્રયાસ કરવામાં આવે છે, તો તેનો ઈનકાર પણ કરી શકાય છે.