હિન્દુઓ પર 88 હુમલા થયાનું બાંગ્લાદેશે સ્વીકાર્યું, નારાજ ભાજપ નેતાની 'એરસ્ટ્રાઇક'ની ધમકી
Image Source: Twitter
Bangladesh Violence: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમાંથી મોટાભાગની ઘટનાઓ હિંદુ લઘુમતીઓ સાથે સંબંધિત છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વચગાળાની સરકારના ચીફ મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે આ જાણકારી આપી છે. આમ બાંગ્લાદેશે ખુદ સ્વીકાર્યું છે કે, હિન્દુઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનાઓના સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બાંગ્લાદેશને લડાકુ વિમાન રાફેલની ધમકી આપી દીધી છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ બેઠકના એક દિવસ બાદ બાંગ્લાદેશ દ્વારા આવા હુમલાઓની સંખ્યા વિશે માહિતી આપવામાં આવી છે.
5 ઑગસ્ટથી 22 ઑક્ટોબરની વચ્ચે લઘુમતીઓ સાથે સંબંધિત 88 કેસ નોંધાયા
શફીકુલ આલમે જણાવ્યું કે, 5 ઑગસ્ટથી 22 ઑક્ટોબરની વચ્ચે લઘુમતીઓ સાથે સંબંધિત 88 કેસ નોંધાયા છે. પૂર્વોત્તર સુનામગંજ, મધ્ય ગાઝીપુર અને અન્ય વિસ્તારોમાં હિંસાના તાજા અહેવાલો સામે આવવાના કારણે ધરપકડની સંખ્યામાં વધારો થવાની આશા છે. આ ઘટનાના કેટલાક પીડિતો પૂર્વ શાસક પક્ષ (બાંગ્લાદેશ અવામી લીગ)ના સભ્યો હોઈ શકે છે. જો કે, બાંગ્લાદેશ સરકારે કહ્યું કે કેટલીક ઘટનાઓ છોડીને હિન્દુઓને તેમની આસ્થાના કારણે નિશાન બનાવવામાં નથી આવ્યા.
પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે
તેમણે કહ્યું કે, કેટલાક હુમલાઓ અગાઉની સરકાર સાથે સંકળાયેલા નેતાઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા અથવા વ્યક્તિગત કારણોસર વિવાદો ઊભા થયા હતા. આમ છતાં હિંસા થઈ હોવાથી પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે. આલમે એ પણ સંકેત આપ્યો છે કે 22 ઑક્ટોબર પછી બનેલી ઘટનાઓની માહિતી પણ ટૂંક સમયમાં આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: 200 ટન સોનું, 16 અબજ ડૉલર... સીરિયા છોડી ભાગેલા પૂર્વ પ્રમુખ અસદ પાસે છે 'અખૂટ' સંપત્તિ
ભાજપ નેતાની 'એરસ્ટ્રાઇક'ની ધમકી
આ વચ્ચે ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પાડોશી દેશમાં સ્થિતિ વણસી રહી છે. બાંગ્લાદેશ ભારત પર નિર્ભર છે, ભારત બાંગ્લાદેશ પર નિર્ભર નથી. સુવેન્દુએ કહ્યું કે જો ભારત 97 ઉત્પાદનો ન મોકલે તો બાંગ્લાદેશને ચોખા અને કપડાં નહીં મળે.
તેમણે આગળ કહ્યું કે, જો ભારત ઝારખંડમાંથી ઉત્પાદિત વીજળી નહીં મોકલે તો ત્યાંના 80% ગામડાંઓને વીજળી નહીં મળે. તેણે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવાની પણ ધમકી આપી દીધી હતી. તેમણે કહ્યું કે હાસીમારામાં 40 રાફેલ વિમાન તહેનાત છે. માત્ર બે વિમાનો મોકલવાથી જ કામ ચાલી જશે.