હિન્દુઓ પર અત્યાચાર છતાં ભારત પાસે બાંગ્લાદેશ રાહતની માગણી કરી રહ્યું છે
- ભારતના વિદેશ સચિવ, વિક્રમ મિસ્ત્રી સાથે મંત્રણા દરમિયાન બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જસીમ ઉદ્દીન વચ્ચે મંત્રણા : તેમણે વધુ વિસા માગ્યા
ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઇ રહેલા હુમલા વચ્ચે બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારત પાસે રાહતની માગણી કરી છે. તેણે એક ડગલું આગળ વધી માગણી કરી છે કે ભારત તેના નાગરિકોની વિસા સંખ્યા વધારે. આ પછી બાંગ્લાદેશના પર્યાવરણ વન અને ઋતુ પરિવર્તન અંગેનાં સલાહકાર સઇદા રિઝવાના હસને કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશી નાગરિકો માટે વીસા સંખ્યા વધારવા આશ્વાસન આપ્યું છે.
તે સર્વવિદિત છે કે શેખ હસીના સરકારનાં પતન પછી દેશમાં રાજકીય અસ્થિરતાનો દોર શરૂ થયો છે. તે બાંગ્લાદેસમાં લઘુમતિઓ માટે તો સંકટ ઉભું થયું જ છે. પરંતુ ભારત સાથેના તેના સંબંધો પણ બગડી ગયા છે.
ઢાકા ટ્રિબ્યુનલ જણાવે છે કે ભારતના વિદેશ સચીવ મીસ્ત્રીએ બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જસીમુદ્દીન અને અન્ય નેતાઓ સાથે મંત્રણા કરી હતી. ત્યારબાદ સઇદા રિઝવાના હસને કહ્યું : 'ભારત અને બાંગલાદેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવા મિસ્ત્રીએ વિઝા વધારવાની પ્રક્રિયા ઝડપી કરવા આશ્વાસન આપ્યું હતું.'
આ મંત્રણા દરમિયાન બંને નેતાઓ વચ્ચેહિન્દુઓની સ્થિતિ અંગે પણ ચર્ચા થઇ. જેમાં બાંગ્લાદેશના અધિકારીઓએ જરૂરી તમામ પગલાં લેવાનું વચન પણ આપ્યું હતું.
અત્યારે બાંગ્લાદેસના નાગરિકોને તબીબની સારવાર માટે ભારતમાં આવવાના વિસા અપાય છે. તેમજ તેના ઉદ્યોગપતિઓને અનિવાર્ય કારણસર વીસા અપાય છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે વિસા અપાય છે. તે બધાની સંખ્યામાં વધારો કરવા બાંગ્લાદેશે માગણી કરી હતી તે પૈકી તબીબી સારવાર પર વધુ જોર મુકાયું હતું. વિક્રમ મિસ્ત્રીએ તે અંગે આશ્વાસન આપ્યું હતું.