'ભારત નક્કી કરે...શેખ હસીના અમને સોંપશો કે નહીં', બાંગ્લાદેશની નવી સરકારનું અલ્ટીમેટમ!
Bangladesh Interim Government: બાંગ્લાદેશમાં પાંચમી ઓગસ્ટે વડાંપ્રધાન પદ અને દેશ છોડનાર શેખ હસીના આ દિવસોમાં ભારતમાં છે. પરંતુ ભારતમાં શેખ હસીનાની હાજરી બાંગ્લાદેશને પરેશાન કરી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું કે,'શેખ હસીનાને અમને સોંપવા છે કે નહીં, ભારતે નક્કી કરવું જોઈએ.'
શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ
બાંગ્લાદેશે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને તેના પરિવારના સભ્યોના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરી દીધા છે. હવે સવાલ એ છે કે શેખ હસીના પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે કે નહીં. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'શેખ હસીનાને દેશ છોડ્યા બાદ ખૂબ જ ઓછા સમય માટે ભારતમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી હતી.'
આ પણ વાંચો: પાકિસ્તાનની વધુ એક શરમજનક ઘટના, નવા સ્ટોરને ઉદઘાટન સમયે જ લૂંટીને લઇ ગઈ 'પ્રજા'
શેખ હસીનાને પરત લાવવાનો પ્રયાસ કરશે
આ બધા વચ્ચે એક સવાલ ઊઠી રહ્યો છે કે શું શેખ હસીનાને પ્રત્યાર્પણનો સામનો કરવો પડી શકે છે? વાસ્તવમાં બાંગ્લાદેશ સરકાર હસીનાને સોંપવાની માંગ કરી રહી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનનું કહેવું છે કે, 'ભારત સાથે એક કરાર છે. જો અમારી કાયદાકીય વ્યવસ્થા ઇચ્છે તો અમે ચોક્કસપણે શેખ હસીનાને પરત લાવવાનો પ્રયાસ કરીશું.'
અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસા ફાટી નીકળી હતી. હિંસક વિદ્યાર્થી આંદોલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિદ્યાર્થીઓ અનામત પ્રથાનો વિરોધ કરી રહ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે પાછળથી અનામત પ્રણાલીમાં સુધારો કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ બાદમાં શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી. ગુસ્સે ભરાયેલી ભીડ ઢાકામાં પીએમ આવાસ તરફ આગળ વધવા લાગ્યા હતા. બાંગ્લાદેશની સેનાના દબાણમાં શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો.