બાંગ્લાદેશ હિંસા: ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, હિન્દુઓ સાથે મુલાકાત લઈને કહ્યું- સંકટમાં એકતા જરૂરી
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસામાં વિરોધીઓ હિન્દુઓ અને લઘુમતીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. જેના વિરોધમાં હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ બાબતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને પગલાં લેવા અને લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવા અપીલ કરી હતી. જે બાદ વચગાળાની સરકારે મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરનારા તોફાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા છે. ઉપરાંત હવે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે (13 ઓગસ્ટ) ઢાકા સ્થિત ઢાકેશ્વરી મંદિરે પહોંચ્યા હતા અને હિન્દુ સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી.
હિન્દુ સમાજના આગેવાનોથી મળ્યા
આ દરમિયાન મોહમ્મદ યુનુસ માઇનોરિટી રાઇટ્સ મૂવમેન્ટના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળ અને હિન્દુ સમાજના આગેવાનોથી પણ મળ્યા હતા. આ મુલાકાતમાં હિન્દુ સમાજના લોકોએ યુનુસ સામે આઠ માંગો મૂકી હતી. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુ સમાજ પર હુમલા વધતા બાંગ્લાદેશના હિન્દુઓ તેમના ભાવિ અને સુરક્ષા અંગે ખૂબ જ ચિંતિત છે. આવા સમયે મોહમ્મદ યુનુસે હિન્દુ સમાજના આગેવાનોને મળી તેમને સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.
મોહમ્મદ યુનુસે શું કહ્યું?
ઢાકેશ્વરી મંદિરની મુલાકાત દરમિયાન યુનુસે કહ્યું કે, 'દેશને સંકટની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે લોકોમાં વિભાજન કરવાની જગ્યાએ એકતા દર્શાવવી જોઈએ. આવા સમયમાં ધીરજ રાખવી આવશ્યક છે. અમે એવું બાંગ્લાદેશ બનાવવા માંગીએ છીએ જે એક પરિવારની જેમ રહે અને પરિવારમાં ભેદભાવનો કોઈ સવાલ જ નથી. આપણે સૌ બાંગ્લાદેશી છીએ, સૌ કોઈ માટે કાયદો એક સમાન છે. આપણા બધાએ સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણે અહીં શાંતીથી રહી શકીએ. આ દરમિયાન તેમણે લોકોને ધર્મ કે જાતિના આધારે ભેદભાવ ન કરવાની અપીલ પણ કરી હતી.
હિન્દુઓને ન્યાય અપાવવા કમિટિ રચાશે
મીડિયા સાથે વાતચીત કરતા વચગાળાની સરકારના ધાર્મિક સલાહકારે જણાવ્યું કે, સરકાર અગાઉ પણ હિન્દુઓ સહિત લઘુમતીઓની રક્ષા માટે કટિબદ્ધ રહી છે. દરેક પળે તેમની સાથે ઉભી રહી છે. આગળ પણ અમે આવું જ કરીશું. સરકાર આવા મંદિરોની યાદી બનાવી રહી છે, જેમને તોડવામાં આવ્યા છે અથવા લૂંટફાટ કરવામાં આવી છે. આવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે અમે એક ફાસ્ટ ટ્રેક કમિટી બનાવી રહ્યા છીએ. ગૃહ મંત્રાલય પણ એક બે દિવસમાં આ બાબતે પગલાં લેશે.
આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત પણ...', બીએનપી નેતાએ બંને દેશોને લઈને આપ્યું મોટુ નિવેદન
ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુ સમુદાયની માફી માંગી
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર સખાવત હુસૈને લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ હિન્દુઓની માફી માંગતા કહ્યું કે, 'લઘુમતી ભાઈઓની સુરક્ષા કરવી સરકારની જવાબદારી અને અંતિમ ફરજ છે.' હુસૈને વધુમાં કહ્યું કે, 'લઘુમતીઓનું રક્ષણ કરવું એ આપણા ધર્મનો ભાગ છે. હું આપણા હિન્દુ ભાઈઓની માફી માંગું છું. અત્યારે દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. પોલીસની હાલત સારી નથી, આથી હું સમાજના લોકોને અપીલ કરું છું કે લઘુમતીમાં આવતા લોકો આપણા ભાઈઓ છે અને તમામ લોકો સાથે મળીને મોટા થયા છીએ. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે.'