બાંગ્લાદેશમાં હિન્દુ સંતને ન મળ્યો વકીલ, હવે એક મહિના સુધી જેલમાં રહેશે ચિન્મય દાસ
Image Source: Twitter
Chinmoy Krishna Das Bail Plea: બાંગ્લાદેશમાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને હવે એક મહિના સુધી જેલમાં જ રહેવું પડશે. ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટમાં તેમના પક્ષમાં કોઈ વકીલ હાજર નહોતો થયો. ત્યારબાદ સુનાવણી આવતા મહિના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અગાઉ ઈસ્કોન કોલકાતાએ દાવો કર્યો હતો કે, ચિન્મય કૃષ્ણ દાસના બાંગ્લાદેશી વકીલ રમણ રોય પર ઈસ્લામિક કટ્ટરપંથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
આજે 3 ડિસેમ્બરના રોજ ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર ચટગાંવની કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ વકીલોએ તેમના તરફથી હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટે કાર્યવાહી સ્થગિત કરી દીધી. જામીન અરજીની સુનાવણીની આગામી તારીખ 2 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે.
ICUમાં ચિન્મય કૃષ્ણ દાસના વકીલ
આ પહેલા સોમવારે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રૃષ્ણા કાન્શિયસનસ (ઈસ્કોન) કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'કૃપા કરીને વકીલ રમણ રોય માટે પ્રાર્થના કરો. તેમની ભૂલ માત્ર એટલી હતી કે તેઓ ચિન્મય કૃષ્ણ પ્રભુનો કોર્ટમાં બચાવ કરી રહ્યા હતા. ઇસ્લામવાદીઓએ તેમના ઘરની તોડફોડ કરી અને તેમના પર નિર્દયતાથી હુમલો કર્યા, ત્યારબાદ હવે તેઓ ICUમાં પોતાના જીવન માટે જંગ લડી રહ્યા છે.'
હિન્દુઓ પર થતી હિંસા વિરુદ્ધ
બાંગ્લાદેશમાં સામેલ સનાતની જોતના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસ દેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે. ગત અઠવાડિયે સોમવારે 25 ડિસેમ્બરના રોજ ચિન્મય દાસની ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેઓ એક રેલીમાં ભાગ લેવા માટે ચટગાંવ જઈ રહ્યા હતા. તેમની સામે દેશદ્રોહના આરોપો લગાવવામાં આવ્યા છે.