બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે હિંસા ફાટી નીકળી, 14 મતદાન મથકો અને 2 શાળાઓને આગ ચાંપી દીધી
આ પહેલા એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા
Image : Twitter |
Bangladesh Elections : બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે અનેક જિલ્લાઓમાં ભયાનક હિંસા (violence) શરુ થઈ ગઈ છે. સૂત્રોમાંથી મળતા સમાચાર મુજબ અંદાજે 10 જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી છે જેમાં 14 મતદાન મથકો અને 2 શાળાઓમાં આગ ચાંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા.
વિરોધ પક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે અંદાજે 10 જિલ્લાઓમાં ભયાનક હિંસા ફાટી નીકળી છે. ચૂંટણી માટે મતદાન શરુ થાય તે પહેલા જ 14 મતદાન મથકો અને 2 શાળાઓને આગ ચાંપી દેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાની ચોથી વખત જીત નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે મુખ્ય વિરોધ પક્ષે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પૂર્વ PM ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને અન્ય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો 48 કલાકની હડતાળ પર છે.
BNPએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની એલાન કર્યું
બાંગ્લાદેશના PM શેખ હસીનાએ લોકોને સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તમારો મતદાનનો અધિકાર સાબિત કરશે કે દેશમાં લોકશાહી જીવંત છે. જો કે મતદનના દિવસે પણ વિરોધ પક્ષો દ્વારા દેખાવો ચાલુ રહેશે. BNPએ શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે આ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરવાની એલાન કર્યું છે. તેમણે વધુમાં વધુ લોકોને આ હડતાળમાં ભાગ લેવાની અપીલ કરી છે.
અગાઉ ટ્રેનને આગ ચાંપી દીધી હતી
આ પહેલા પણ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કેટલાક બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી હતી. આ ઘટના શક્રવારે રાત્રે 9.05 કલાકે બની હતી જેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગઈ હતી.