શેખ હસીનાનો ફોન કોલ લીક થતાં હડકંપ, બાંગ્લાદેશ પરત ફરવા અંગે શું કહ્યું?
Sheikh Hasina Call Leaked: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા બાદ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ભારત પહોંચી ગયા હતા. હવે મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં પડોશી દેશમાં રચાયેલી વચગાળાની સરકાર હસીનાની વાપસી ઈચ્છે છે. યુનુસ સરકાર પણ આ માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એક સોશિયલ મીડિયા પર ફોન કોલ વાયરલ થઈ રહ્યો છે, જે શેખ હસીનાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વાયરલ ફોન કોલમાં શેખ હસીના શું કહી રહ્યા છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોન કોલમાં શેખ હસીના કહી રહ્યા છે કે, હું બાંગ્લાદેશથી દૂર નથી અને જરૂર પડ્યે જલ્દી પરત આવીશ.' આ કોલ લીક થવાથી સોશિયલ મીડિયા અને બાંગ્લાદેશના રાજકારણમાં વિવાદ ઊભો થયો છે.
આ પણ વાંચો: રશિયા-ઈરાન વચ્ચે સિક્રેટ ડીલ થઈ, પુતિનના ઈરાદાથી અમેરિકા-બ્રિટનનું ટેન્શન વધ્યું
અવામી લીગના નેતાઓ અંગે વાતચીત!
બાંગ્લાદેશ મીડિયા હાઉસ ઢાકા ટ્રિબ્યુન અનુસાર, કથિત રીતે શેખ હસીના અને યુએસમાં રહેતા તનવીર નામના વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હતી. તે ઢાકાના કામરાંગીરચર વિસ્તારનો રહેવાસી છે. તનવીરે હસીનાને અવામી લીગના નેતાઓને પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું, જેમાં ઘણાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમને કાયદાકીય કેસના કારણે તેમના મતવિસ્તારમાંથી બહાર રહેવાની ફરજ પડી છે. જવાબમાં શેખ હસીનાએ સ્વીકાર્યું કે કાયદાકીય પડકારો છે અને તેમની સામે 113 કેસ નોંધાયેલા છે.
બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસા ફાટી નીકળી હતી
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસા ફાટી નીકળી હતી. હિંસક વિદ્યાર્થી આંદોલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિદ્યાર્થીઓ અનામત પ્રથાનો વિરોધ કરી રહ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે પાછળથી અનામત પ્રણાલીમાં સુધારો કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ બાદમાં શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી. ગુસ્સે ભરાયેલી ભીડ ઢાકામાં પીએમ આવાસ તરફ આગળ વધવા લાગ્યા હતા. બાંગ્લાદેશની સેનાના દબાણમાં શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો.