બાંગ્લાદેશની અવળચંડાઇઃ સરહદ પર તૈનાત કર્યાં ડ્રોન, ભારતીય સેનાએ કહ્યું- 'અમે હાઇ એલર્ટ પર'
પ્રતિકાત્મક તસવીર |
Bangladesh News: બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે જે પ્રકારે હિંસા થઈ રહી છે, તેના પર ભારતીયો ખૂબ જ રોષે ભરાયા છે. ભારત સરકારે વારંવાર આ ઘટનાઓ પર વિરોધ નોંધાવી મોહમ્મદ યૂનુસ સરકારની સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. ત્યાર બાદથી જાણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશે ભારત સાથેના સંબંધને સુધારવાની બદલે એક નવો જ અખતરો કર્યો છે. બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળમાં ચિકન નેક એરિયાની પાસે ટર્કિશ ડ્રોન તૈનાત કરી દીધા છે. આ ડ્રોન અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) અને બાયરકતાર TB2 છે. બાંગ્લાદેશે આ વર્ષે તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદ્યા હતાં.
બાંગ્લાદેશી ઉગ્રવાદીઓમાં વધારો
બાંગ્લાદેશના ડિફેન્સ ટેક્નોલોજી (DBT) અનુસાર, તુર્કી પાસેથી લેવામાં આવેલા 12 બાયરકતાર TB2માંથી 6 ઓપરેશનલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ડ્રોનને સર્વિલન્સ અને ઇન્ટેલીજન્સ માટે બાંગ્લાદેશની 67મી સેના ઓપરેટ કરી રહી છે. આ જાણકારી એવા સમયે સામે આવી રહી છે, જ્યારે બંગાળની પાસે સીમા પર પાડોશી દેશમાં આતંકી ગતિવિધિઓની ખબરો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, શેખ હસીના દ્વારા વડાપ્રધાનનું પદ છોડીને ભાગ્યા બાદથી ઉગ્રવાદીઓની ગતિવિધિઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશનું આ કૃત્ય ભારતની સુરક્ષાને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બાંગ્લાદેશની આ હરકત બાદથી ભારત પાડોશી દેશના દરેક પગલાં પર નજર રાખી રહ્યું છે, જેના માટે સેનાને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ
ભારત થયું સતર્ક
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ, શેખ હસીનાના સત્તાથી દૂર થયા બાદથી બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા વિસ્તારોમાં ભારત વિરોધી તત્ત્વોમાં વધારો થયો છે. તેઓએ સલાહ આપી છે કે, પાડોશી દેશની રાજનીતિ અસ્થિરતા અને સીમા પર એડવાન્સ યુએવી ડ્રોનની હાજરીથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશની ચલણી નોટો પરથી 'બંગ બંધુ'ની તસવીર હટાવાશે, યુનુસ સરકારનો મોટો નિર્ણય
વરિષ્ઠ રક્ષા અધિકારીએ આપી જાણકારી
વરિષ્ઠ રક્ષા અધિકારીએ બાંગ્લાદેશના આ પગલાંને લઈને કહ્યું કે, ભારતીય સેના બાંગ્લાદેશની સાથે ચાલી રહેલાં તણાવના કારણે પહેલાંથી જ હાઇ એલર્ટ પર છે અને યુનૂસ સરકાર સીમા પર શું કરી રહી છે, તેના પર પણ ઝીણવટભરી નજર રાખી રહી છે. અમે ખૂબ જ નજીકથી આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર પડતા પોતાની સીમાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે. આ સિવાય ભારત ઇન્ટેલિજન્સ-શેરિંગ તંત્ર અને પોતાના ઇન્ટરનેશનલ પાર્ટનર્સની મદદથી બાંગ્લાદેશની અંદરની પરિસ્થિતિ પર પણ નજર રાખી રહ્યા છીએ.'