બાંગ્લાદેશની કમાન ભારત વિરોધી ચંડાળ ચોકડીના હાથમાં! હસીનાનું પણ ટકવું ભારત માટે સારું નથી
Bangladesh Crisis: બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડ્યા પછી બાંગ્લાદેશના રાજકીય તખ્તા પર અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસ, આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાન, બેગમ ખાલેદા ઝિયા, નાહિદ ઈસ્લામ અને શફીક ઉર રહેમાન એમ પાંચ મહત્ત્નાં પાત્રો ઉભરી આવ્યાં છે. આ પૈકી મુહમ્મદ યુનુસ મધ્યમમાર્ગી કહી શકાય. બાકીનાં બધાં પાત્રો ભારત વિરોધી છે. આ ભારત વિરોધી ચંડાળ ચોકડીના કારણે હવે પછીની બાંગ્લાદેશની નીતિ ભારત વિરોધી હશે એવું માની શકાય.
મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન હશે, પરંતુ સરકારનો દોરીસંચાર આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાનના હાથમાં હશે. બાંગ્લાદેશનું આર્મી અત્યારે પાકિસ્તાન અને ચીનના ઈશારે નાચે છે તેથી ભારત માટે હવે પછીનો સમય કપરો હશે. બાંગ્લાદેશના રાજકારણમાં હાલમાં મહત્ત્વનાં આ પાંચ પાત્રોનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ.
મુહમ્મદ યુનુસ
અર્થશાસ્ત્ર માટેનું નોબલ પ્રાઈઝ જીતનારા મુહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા હશે પણ યુનુસ શોભાના ગાંઠિયાથી વિશેષ કંઈ નથી. લંડનમાં જ રહેતા યુનુસ આતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી હોવાથી બાંગ્લાદેશમાં તટસ્થ સરકાર બેસાડાઈ છે એવો દેખાડો કરવા યુનસને વડા બનાવાયા છે. યુનુસ ભારત વિરોધી નથી પણ તેમનું કંઈ ઉપજવાનું નથી.
વકાર ઉઝ ઝમાન જનરલ ઝમાન
બાંગ્લાદેશના રાજકારણમાં હવે પછીના વડદા પાછળના અસલી ખેલાડી છે. પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈના ઈશારે ચાલતા ઝમાન ભવિષ્યમાં બાંગ્લાદેશના સર્વેસર્વા બની જશે એવું મનાય છે. હસીનાના વફાદાર મનાતા ઝમાને હસીનાની પીઠમાં છૂરો ભોંકીને તેમની સામેના અસંતોષને ભડકાવ્યો હતો. ઝમાનના કારણે ભવિષ્યમાં બાંગ્લાદેશ આર્મી શાસન તળે આવી જશે.
બેગમ ખાલેદા ઝિયા
બાંગ્લાદેશના વડાપ્રધાન પદે બે વાર બેસનારાં ખાલેદા ઝિયાના શાસનકાળ વખતે બાંગ્લાદેશ પાકિસ્તાની આતંકવાદીઓનો અડ્ડો બની ગયું હતું. હસીના ભાગતાં જ જેલમુક્ત કરાયેલાં ખાલેદાને હવે પછીની ચૂંટણીમાં જીતાડીને ગાદી પર બેસાડવાનો તખ્તો અત્યારથી ઘડાઈ ગયો હોવાનું કહેવાય છે. નવી સરકારમાં પણ ખાલેદા ડિફેક્ટો સત્તાધીશ હશે એવું કહેવાય છે.
નાહિદ ઈસ્લામ
યુવા નેતા નાહિદ આઈએસઆઈનું પ્યાદુ મનાય છે. સોશિયોલોજીના સ્ટુડન્ટે નાહિદે અનામત આંદોલનની આગેવાની લીધી હતી. સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમેશન નામની ચળવળના નેશનલ કો-ઓર્ડિનેટર તરીકે નાહિદે શેખ હસીના સરકારને આતંકવાદી ગણાવીને કરેલાં ઉશ્કેરણીજનક ભાષણોના કારણે હિંસા ભડકી હતી. નવી સરકારમાં યુવા પ્રતિનિધી તરીકે નાહિદને પણ સ્થાન મળશે.
શફીકુર રહેમાન
પાકિસ્તાનની પીઠુ એવી બાંગ્લાદેશની કટ્ટરવાદી પાર્ટી જમાત એ ઈસ્લામીના વડા શફીકુર રહેમાને જમાતના કાર્યકરોને હિંદુઓને નિશાન બનાવવા હિંસા આચરવા ફરમાન કર્યું હોવાનું કહેવાય છે. રહેમાને બાંગ્લાદેશમાંથી હિંદુઓને સાફ કરી નાંખવાનો મત પહેલાં પણ વ્યક્ત કરી ચૂક્યા છે. રહેમાન ભારત સાથેના આર્થિક સંબંધો તોડીને પાકિસ્તાન-ચીન સાથે નિકટતા વધારવાની તરફેણમાં છે.