બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી આતંકી સંગઠનો ગેલમાં, ભારત પર હુમલાનું કાવતરું ઘડાય તેવી આશંકા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Terrorist



Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. એક તરફ સરહદો પર પડકારો વધ્યા છે તો બીજી તરફ આ ઘટના બાદ આતંકવાદી સંગઠનોના સક્રિય થવાનો ખતરો પણ વધી ગયો છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ આંદોલન કરવાનું કહેવાય છે, પરંતુ તમામ ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે આ હિંસા પાછળ આતંકવાદી સંગઠનોની સક્રિય ભૂમિકા હતી. હવે આ આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે જોડાઇ ભારત પર હુમલો કરવાનું કાવતરૂં ઘડી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશના આતંકવાદીઓ સાથે જોડાયા

અહેવાલો અનુસાર, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) એ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે બાંગ્લાદેશની અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે ભાગીદારી કરી છે. ગુપ્તચર માહિતી દર્શાવે છે કે બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલમાં પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)એ મોટી ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશમાં હિંસા ફેલાવવા જમાત-એ-ઈસ્લામી અને એબીટી સહિત અન્ય આતંકવાદી જૂથોએ તેને સમર્થન આપ્યું હતું. 

આ પણ વાંચોઃ મંદિરને નુકસાન કરનારાઓએ કિંમત ચૂકવવી પડશે: બાંગ્લાદેશ સરકારનો કડક આદેશ, કમિટી પણ બનશે

શું છે અંસારુલ્લા બાંગ્લા ટીમ?

અંસારુલ્લા બાંગ્લા ટીમએ બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન છે. તેની શરૂઆત 2007માં જમાત ઉલ-મુસ્લિમીન નામે થઇ હતી, પરંતુ ભંડોળના અભાવે, આ સંગઠન બંધ થઇ ગયું હતું. પછી 2013માં અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) નામે તેની ફરી શરૂઆત કરવામાં આવી હતી. આ જૂથ પર 2015માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી અંસાર અલ-ઈસ્લામ તરીકે ફરી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું. 2017માં તેના પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારપછી અંસાર અલ-ઈસ્લામે અલ કાયદાની બાંગ્લાદેશી શાખા (AQIS) પોતાને સ્થાપિત કરી છે. આ સંગઠન પર બાંગ્લાદેશમાં ઘણા બિનસાંપ્રદાયિક લોકોની હત્યા કરવાનો આરોપ છે, દક્ષિણ એશિયા ટેરરિઝમ પોર્ટલ અનુસાર, 2013થી સમગ્ર બાંગ્લાદેશમાં લગભગ 425 એબીટી/અંસાર અલ-ઇસ્લામ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

બાંગ્લાદેશમાં હાલમાં 9 આતંકવાદી સંગઠનો સક્રિય

1. અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)

2. અંસાર અલ-ઈસ્લામ

3. લશ્કર-એ-તૈયબા (LeT)

4. હરકત-ઉલ-જિહાદ અલ-ઈસ્લામી બાંગ્લાદેશ (HUJI-B)

5. જાગ્રતા મુસ્લિમ જનતા બાંગ્લાદેશ (JMJB)

6. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)

7. પૂર્વ બાંગ્લાર કમ્યુનિસ્ટ પાર્ટી (PBCP)

8. ઇસ્લામિક સ્ટુડન્ટ્સ કેમ્પ (ICS)

9. ઇસ્લામિક સ્ટેટ (ISIS)

આ પણ વાંચોઃ એશિયાનો ભારત કરતા પણ ગરીબ દેશ, છતાં ચલાવે છે હાઇ સ્પિડ બુલેટ ટ્રેન

શેખ હસીનાએ આ સંગઠનો પર પ્રતિબંધ મુક્યો હતો

નોંધનીય છે કે, બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાએ આ આતંકવાદી સંગઠનોને કાબૂમાં લેવા માટે ઘણા નક્કર પગલાં લીધા હતા. તાજેતરમાં, જ્યારે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો હતો, ત્યારે શેખ હસીનાએ કહ્યું હતું કે આ હિંસક વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા નહીં પરંતુ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. શેખ હસીનાએ તેમના કાર્યકાળ દરમિયાન જમાન-એ-ઈસ્લામી જેવા અનેક સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો.


Google NewsGoogle News