બાંગ્લાદેશ નફ્ફટાઈ પર ઉતર્યું : 50 વર્ષમાં પ્રથમ વખત મોહમ્મદ અલી ઝીણાની પુણ્યતિથિ ઉજવી, રાષ્ટ્રપિતા જાહેર કરવા માંગ
Jinnah’s Death Anniversary Bangladesh : શેખ હસીનાના તખ્તાપલટ બાદ હવે લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ સદંતર બદલાઈ ગયું છે અને અવળી ગંગા વહી રહી છે. હસીનાને ભારતમાંથી સ્વદેશ ડીપોર્ટ મોકલવાથી લઈને દુર્ગા પૂજા મામલે અણધડ આદેશો બાદ બાંગ્લાદેશ હવે નફ્ફ્ટાઈ પર ઉતરી આવ્યું છે. ભારતનો વધુ એક પાડોશી અવળી દિશાએ આગળ વધી રહ્યું છે.
5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ દેશમાં સ્થિતિ બદલાઈ છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશમાં વચગાળાની સરકાર ચાલી રહી છે અને બાંગ્લાદેશને આઝાદ કરાવનાર, યુદ્ધનું નેતૃત્વ કરનાર મુજીબર રહેમાન સામે પણ મનફાવે તેમ અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. હિંસક વિરોધ દરમિયાન બંગબંધુના નામથી પ્રખ્યાત મુજીબર રહેમાનની મૂર્તિઓને પણ તોડી નાખવામાં આવી હતી. એટલું જ નહીં, હવે સ્થિતિ એટલી કથળી ગઈ છે કે રાજધાની ઢાકામાં પાકિસ્તાનના સર્જક કહેવાતા મોહમ્મદ અલી ઝીણાને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
બુધવારે ઢાકા પ્રેસ ક્લબ ખાતે મોહમ્મદ અલી ઝીણાની 76મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઝીણાને યાદ કરવામાં આવ્યા હતા અને મુજીબર રહેમાનના સ્થાને તેમને રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશને આઝાદી ભારતે અપાવી હતી અને પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશની સ્થાપના કરવામાં મદદ કરી હતી અને હવે ત્યાં ભારતના જ કટ્ટર દુશ્મન બની બેઠેલાં પાકિસ્તાનના જનક ઝીણાને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ ઉઠી રહી છે.
1971ના મુક્તિ સંગ્રામ બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. આ ચળવળ મુખ્યત્વે બંગાળી અને ઉર્દૂ ભાષાઓના વિવાદ પછી શરૂ થઈ અને પૂર્વ પાકિસ્તાન નામનો ભાગ બાંગ્લાદેશ તરીકે અલગ દેશ બન્યો હતો. અવામી લીગ પાર્ટી એ જ વારસા સાથે જોડાયેલી છે, પરંતુ હવે શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા બાદ પાકિસ્તાન તરફી તત્વોનું વર્ચસ્વ વધી રહ્યું છે.
પાકિસ્તાન આર્મી સાથે બાંગ્લાદેશના લોકો સામે લડનાર જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનો હવે વધુ મજબૂત થતા જણાય છે. ઢાકાના નેશનલ પ્રેસ ક્લબમાં બુધવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્દૂ કવિતાઓ વાંચવામાં આવી હતી અને કેટલાક લોકોના ભાષણો પણ થયા હતા. આ દરમિયાન બાંગ્લાદેશના ધ્વજ અને રાષ્ટ્રગીતને પણ બદલવાની માંગ કરવામાં આવી હતી. બાંગ્લાદેશના સોશિયલ મીડિયામાં પણ આવી માંગ વધી રહી છે.
બે વખત આઝાદ થયું બાંગ્લાદેશ :
પ્રેસ ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં ઘણા વક્તાઓએ પણ કહ્યું કે બાંગ્લાદેશ બે વાર આઝાદ થયું છે. બાંગ્લાદેશને એક વખત 14 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી અને બીજી વખત 5 ઓગસ્ટ, 2024ના રોજ દેશ આઝાદ થયો છે. આ ટિપ્પણીમાં મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશની ખરેખર રચના, 1971નો કોઈ ઉલ્લેખ નથી. આ રીતે વક્તાઓએ પાકિસ્તાનથી અલગ થવાની વાતને જ ખોટી ગણાવી હતી. આ સાથે ઝીણાને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.