Get The App

બાંગ્લાદેશમાં રસ્તાઓ પર 'જય શ્રી રામ'ના નારા ગુંજ્યા, હુમલાના વિરોધમાં હજારો હિંદુઓના દેખાવ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Bangladesh Violence


Bangladesh Violence: મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં વડાંપ્રધાન પદ પરથી રાજીનામું આપીને શેખ હસીના આ સપ્તાહની શરૂઆતમાં જ દેશ છોડી ભાગી ગયાં હતાં. શેખ હસીના સરકારના વિરોધમાં શરૂ થયેલા અનામત આંદોલનમાં કટ્ટરવાદી તત્ત્વોએ હિંદુઓને પણ નિશાન બનાવ્યા હતા અને તેમના ઘરો, મંદિરોને સળગાવી દીધા હતા. આ અત્યાચારના વિરોધમાં હવે હિંદુઓ બાંગ્લાદેશમાં રસ્તા પર ઉતર્યા છે. બાંગ્લાદેશ કોઈના બાપનું નથી તેવો સૂત્રોચ્ચાર કરતાં હજારો હિંદુઓએ રાજધાની ઢાકામાં દેખાવો કર્યો હતા. આ સાથે તેમણે વચગાળાની યુનુસ સરકાર સમક્ષ સુરક્ષા અને લઘુમતી મંત્રાલય તથા કમિશન બનાવવા સહિત ચાર માગણી હતી.

હુમલાના વિરોધમાં હજારો હિંદુઓ રસ્તા પર

બાંગ્લાદેશમાં પાંચમી ઑગસ્ટે અવામી લીગનાં શેખ હસીના સરકારનાં પતન પછી હિંદુ સમુદાય પર ખૂબ જ મોટા પ્રમાણમાં કટ્ટરવાદી તત્ત્વો દ્વારા થઈ રહેલા હુમલા, આગજની અને લૂંટફાટના વિરોધમાં હજારો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. શેખ હસીનાના શાસનની તાનાશાહી અને અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા પછી હવે પોતાના રક્ષણ માટે હિંદુઓ રાજધાની ઢાકાના રસ્તા પર ઉતર્યા હતા. બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચના નેજા હેઠળ હિંદુઓ રાજધાની ઢાકાના શાહબાગમાં એકત્ર થયા હતા અને દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા સામે અવાજ ઊઠાવ્યો છે. એટલું જ નહીં તેમણે બાંગ્લાદેશમાં નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વમાં રચાવેલી વચગાળાની સરકાર સમક્ષ ચાર માગણીઓ કરી છે.

નોબેલ વિજેતા અને વચગાળાની સરકારના નેતા મોહમ્મદ યુનુસે શનિવારે (10મી ઑગસ્ટ) દેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ પરના અત્યાચારની આકરી ટીકા કરી હતી. તેમણે કટ્ટરવાદીઓના હુમલાને જધન્ય ગણાવતા યુવાનોને બધાં જ હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ પરિવારોના રક્ષણની ખાતરી કરવા હાકલ કરી હતી. રંગપુર શહેરમાં ભેગમ રોકેયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં મોહમ્મદ યુનુસે કહ્યું કે, 'શું આ દેશ તેમનો નથી? તમે આ દેશને બચાવવા સક્ષમ છો તો કેટલાક પરિવારની સુરક્ષા નહીં કરી શકો? હવે આ દેશ તમારા હાથમાં છે, તમારે તેને જ્યાં પણ લાઈ જવો સોચ તેની તાકાત તમારામાં છે.'

બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજારો હિંદુઓ ભાંગ્લાદેશમાંથી ભાગી આશરો લેવા ભારત સરહદે પહોંચી રહ્યા છે. ઢાકાના રસ્તા પર શનિવારે જય શ્રી રામના નારા ગુંજ્યા હતો. હજારો હિંદુઓ જય શ્રી રામની સાથે નારા લગાવી રહ્યા હતા કે, 'આ દેશ કોઈના બાપનો નથી. અમે લોહી આપ્યું છે. જરૂર પડશે તો અમે ફરીથી લોહી આપીશું. પરંતુ અમે બાંગ્લાદેશ નહીં છોડીએ.' આ સાથે હિંદુઓએ તેમના પર થઈ રહેલી હિંસાના સમયે મૂકદર્શક બની રહેલી સિવિલ સોસાયટીના સાભ્યો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. 

સંસદમાં 10 ટકા બેઠકો સુરક્ષાની ખાતરી માટે આકરો કાયદો બનાવવાની માગ

અહેવાલો અનુસાર, બાંગ્લાદેશની સંસદમાં લઘુમતીઓ માટે 10 ટકા બેઠકો અનામત રાખવાની પણ માગ કરી છે. બાદગ્લાદેશમાં હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી, ઓઈક્યા પરિષદે જણાવ્યું કે, 'શેખ હસીનાના સત્તા પરથી હટવા પછીથી લઘુમતી સમુદાયો પર હિંસાની 205 ઘટનાઓ સામે આવી છે. આ સંગઠને વચગાળાની સરકારના વડા નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને લખેલા ખુલ્લા પત્રમાં કહ્યું છે કે 'સમગ્ર દેશમાં લઘુમતીઓમાં તેમના ભાવી અંગે ઘેરી આશંકા, ચિંતા અને અનિશ્ચિતતા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News