શેખ હસીનાની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા, વાંચો અપડેટ્સ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
શેખ હસીનાની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા, વાંચો અપડેટ્સ 1 - image


Bangladesh Crisis: હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે. હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. જ્યારે ચોંકાવનારા અહેવાલ એ છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

અવામી પાર્ટીને બનાવાઈ રહી છે નિશાન 

વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવી જનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ હવે હિંસા કરનારા લોકોનો શિકાર બની રહ્યા છે. અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે. આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરોના ઘરો અને ધંધાકીય સંસ્થાઓમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે.

 આ પણ વાંચો : ઢાકામાં ફસાયેલા ગુજરાતીઓએ કહ્યું- ટોળાના હુમલાથી અનેક લોકોમાં ભયનો માહોલ, વિમાન ભાડું વધ્યું

સતખીરામાં પણ હિંસા 

બાંગ્લાદેશના સતખીરામાં થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા હતા જ્યારે કુમિલ્લામાં 11 લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી, જેમાં છ લોકો માર્યા ગયા હતા.

ગાયક રાહુલ આનંદનું 140 વર્ષ જૂનું ઘર બળી ગયું

બાંગ્લાદેશના પ્રખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં 140 વર્ષ જૂનું ઘર તોફાનીઓએ સળગાવી દીધું હતું. આનંદનું આ ઘર એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર હતું. તોફાનીઓએ ઘર સળગાવતા પહેલા લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો હતો.

શેખ હસીનાના મંત્રીઓ દેશ છોડીને ભાગવા મજબૂર 

સત્તાપલટો અને શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની પૂર્વ કેબિનેટના મંત્રીઓ પણ હવે જીવ બચાવવા મજબૂર છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. તે ભારત નીકળવા ફ્લાઈટ પકડવા પહોંચ્યા હતા. 

અનેક મંત્રીઓ બાંગ્લાદેશ છોડી પહેલાથી જ ભાગી ગયા 

બાંગ્લાદેશમાં બળવા પહેલા જ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઘણા ટોચના નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓએ દેશ છોડી દીધો હતો. અવામી લીગના મહાસચિવ અને માર્ગ પરિવહન મંત્રી અબ્દુલ કાદેર રવિવારે રાત્રે જ દેશ છોડીને ભાગી ગયા હતા. આ સાથે હસીનાની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અનીસુલ હક હસીનાના રાજીનામા પહેલા જ દેશ છોડીને કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.

બાંગ્લાદેશના 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલા

બળવા બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ચાલુ છે. આ દરમિયાન દેશના 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શેખ હસીનાના રાજીનામા બાદ તોફાનીઓએ અનેક પોલીસ સ્ટેશનો અને ઈમારતોમાં લૂંટ ચલાવી હતી. ઢાકાના મીરપુર મોડલ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી.

 આ પણ વાંચો : 'જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શકે..' કદાવર કોંગ્રેસી નેતાના નિવેદને ટેન્શન વધાર્યું

શેખ હસીનાની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા, વાંચો અપડેટ્સ 2 - image


Google NewsGoogle News