VIDEO : બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા, પ્રદર્શકારીઓએ ટ્રેનમાં 4 કોચમાં આગ લગાવી, 5ના મોત
Bangladesh Train Fire : બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનાર ચૂંટણી પહેલાં હિંસા (Bangladesh Violence) ભળકી છે. પ્રદર્શનકારીઓએ સૈયદાબાદના ગોપીબાગ વિસ્તારમાં આજે સાંજે 9 કલાકે એક ટ્રેનમાં આગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. બેનાવોલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલી ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. ટ્રેન પશ્ચિમી શહેર જેસોરથી ઢાકા જઈ રહી હતી.
બેનાપોલ એક્સપ્રેસ ટ્રેનમાં લગાવાઈ આગ
મળતા અહેવાલો મુજબ પ્રદર્શનકારીઓએ આજે એક પેસેન્જર ટ્રેનમાં આગ લગાવતા પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ કેટલાક ભારતીય નાગરિકો પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
પોલીસ વડા અનવર હુસેને કહ્યું છે કે, ચૂંટણીમાં અશાંતિ ડહોળવા માટે આગ લગાડી હોવાનું હોઈ શકે છે.
પોલીસ કમાન્ડર ખંડેકર અલ મોઈનના જણાવ્યા મુજબ ઘટનામાં 5 મૃતદેહો મળી આવ્યા છે.
ફાયર સર્વિસ ઓફિસર રકજીબુલ હસને જણાવ્યું છે કે, બેનાપોલ એક્સપ્રેસમાં ઓછામાં ઓછા ચાર કોચમાં આગ લાગી હતી.
સાક્ષીઓએ જણાવ્યું છે કે, મેગાસિટીના મુખ્ય રેલ ટર્મિનલથી દૂર ઢાકાના જૂના ભાગમાં ગોપીબાગ ખાતે ટ્રેનમાં આગ લાગી હતી.
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી
ઉલ્લેખનિય છે કે, બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે રાષ્ટ્રને સંબોધન દરમિયાન 12મી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જોકે મુખ્ય વિરોધી પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) શરૂઆતથી જ ચૂંટણનો બહિષ્કાર કરી રહી છે, ત્યારે હિંસાની આશંકા વચ્ચે સૈનિકો પણ તૈનાત કરી દેવાયા છે. અગાઉ પણ ટ્રેનમાં આગ લગાવાઈ હતી, જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે. તે દરમિયાન પોલીસ અને સરકારે વિપક્ષી બીએનપી પર આરોપ લગાવ્યો હતો, પરંતુ તેણે તમામ આરોપોનો પાયાવિહોણા ગણાવ્યા હતા.
હિંસામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે
વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઈસ્લામી જેવા તેના સાથી વડા પ્રધાન શેખ હસીનાની સરકારના રાજીનામાની ઘણા સમયથી માંગણી સાથે ઝુંબેશ ચલાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં 28 ઓક્ટોબરથી વિરોધ પક્ષો તેમની માંગના સમર્થનમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અને હરીફ રાજકીય પક્ષોના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. ઘણા સમયથી દેશમાં ચાલી રહેલી રાજકીય હિંસામાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓક્ટોબરે થયેલા હોબાળામાં દેશવ્યાપી કાર્યવાહીમાં BNP મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર સહિત લગભગ 8,000 વિપક્ષી નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.