Get The App

શેખ હસીનાના પિતા સહિત 18ની થઈ હતી હત્યા, ત્યારે ઇન્દિરા ગાંધીએ ભારતમાં આશરો આપ્યો હતો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
શેખ હસીનાના પિતા સહિત 18ની થઈ હતી હત્યા, ત્યારે ઇન્દિરા ગાંધીએ ભારતમાં આશરો આપ્યો હતો 1 - image


Bangladesh Violence : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસા શરુ થઈ ગઈ છે. ગઈકાલે (4 ઑગસ્ટ) પોલીસ અને સત્તાધારી પક્ષના કાર્યકરો સાથે વિદ્યાર્થી દેખાવકારોની થયેલી અથડામણમાં કેટલાક પોલીસ કર્મચારી સહિત 100થી વધુના મોત થયા છે, અને અનેક લોકો ઘાયલ થયા છે. મળતાં અહેવાલો મુજબ દેખાવકારો વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina)ના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા છે. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, હિંસા અને વિરોધ વચ્ચે તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. હવે તેઓ ભારતમાં આશરો લેવા આવી રહ્યા છે. હાલ બાંગ્લાદેશની હિંસાએ વર્ષ 1975માં થયેલી લોહિયાળ ઘટનાની યાદ તાજી કરી દીધી છે. તે સમયે શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ મુજીબુર રહમાનની હત્યા કરવામાં આવી હતી અને હસીનાએ ભારતનો આશરો લેવો પડ્યો હતો.

તો જાણીએ વર્ષ 1975માં બાંગ્લાદેશમાં સર્જાયેલી લોહિયાળ હિંસાની ઘટના...

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં સત્તાપલટો: શેખ હસીનાએ ભારતમાં લીધી શરણ, સેનાએ દેશ છોડવા 45 મિનિટ આપી હતી

15 ઑગસ્ટ 1975એ બાંગ્લાદેશમાં થયો હતો તખ્તાપલટ

15 ઑગસ્ટ 1975 શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ બાંગ્લાદેશમાં તખ્તાપલટ કરી દેવાયો હતો. તે સમયે શેખ હસીના, તેમના પતિ ડૉક્ટર વાજેદ અને બહેન રેહાના બ્રસેલ્સમાં બાંગ્લાદેશના રાજદૂત સનાઉલ હકના ત્યાં રોકાયા હતા. ત્યારે સવારે સનાઉલ હકનો ફોન રણક્યો અને સામે જર્મનીમાં બાંગ્લાદેશના રાજદૂત હુમાયુ રશીદ ચૌધરી હતા અને તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં સૈનિક વિદ્રોહ થઈ ગયો છે અને શેખ મુજીબરની હત્યા કરી દેવાઈ છે.

સૈનિકોએ બાંગ્લાદેશના PM અને પરિવારના 18ની કરી હત્યા

26 માર્ચ-1971ના રોજ બાંગ્લાદેશ આઝાદ થયા બાદ શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહમાન(Sheikh Mujibur Rahman)ને વડાપ્રધાન બનાવાયા હતા. જો કે વર્ષ 1975માં સેનાની એક ટુકડીએ તેમના વિરુદ્ધ બળવો કર્યો હતો. આ દરમિયાન સેનાના અધિકારીઓએ મુજીબુર રહેમાન સાથે તેમના પરિવારના 18 લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ, રાજકીય ઉથલપાથલ થઈ અને છેવટે સૈન્ય શાસન લાગુ કરી દેવામાં આવ્યું, જે એક વર્ષ સુધી લાગુ રહ્યું.

શેખ હસીનાનો જીવ કેવી રીતે બચી ગયો?

શેખ મુજીબુર રહમાનની હત્યા થઈ, તેના 15 દિવસ પહેલાં શેખ હસીના અને તેમની બહેન દેશ છોડીને જર્મની (Germany) જતા રહ્યા હતા. હસીના જર્મનીમાં પતિ એમ એ વાજેદમિંયા સાથે હતા. તેમના પતિ અણુ વિજ્ઞાની હતા અને પીએચડી બાદ સંશોધન કરી રહ્યા હતા. હસીનાને જર્મનીમાં જ તેમના પિતાની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું, દેખાવકારોની પીએમ હાઉસમાં ઘૂસીને તોડફોડ

ભારતમાં આશરો અપાયો હતો

જે બાદ શેખ હસીના તેમના પતિ ડૉક્ટર વાજેદ અને તેમની બહેન રેહાનાની સામે એ પ્રશ્ન ઊઠી રહ્યો હતો કે તેઓ હવે ક્યાં જાય. ત્યારે હુમાયુ રશીદ ચૌધરીએ કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શેખ હસીનાને આશરો આપવા માટે કહેશે. આ મુદ્દે ઇન્દિરા ગાંધી સાથે વાત કરવામાં આવી અને તેમણે શેખ હસીનાને આશરો આપવા માટે હા પાડી. તે સમયે ભારતમાં ઇમરજન્સી લાગુ થઈ હતી. જો કે તેમ છતાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી(India Former Prime Minister Indira Gandhi)એ તેમને ભારતમાં આશરો અને સુરક્ષા આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ શેખ હસીના પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા હતા. હસીનાના પરિવારને કોઈપણ ખતરાથી બચાવવા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમને દિલ્હીના પંડારા રોડ પર મકાન અપાયું હતું. આ ઉપરાંત તેમના પતિને પણ નોકરી અપાઈ હતી. 

24 ઑગસ્ટ 1975એ શેખ હસીના ભારત આવ્યા હતા

જે બાદ 24 ઑગસ્ટ 1975એ એર ઇન્ડિયાની ફ્લાઇટથી શેખ હસીના અને તેમનો પરિવાર  દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચ્યાં હતા. તેમને કેબિનેટના એક સંયુક્ત સચિવે રિસીવ કર્યાં હતા અને પહેલા તેમને રો ના 56, રિંગ રોડ સ્થિત સેફ હાઉસ લઈ જવાયા હતા. તે બાદ 4 સપ્ટેમ્બરે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે વડાપ્રધાન આવાસમાં મુલાકાત કરી હતી.

આ પણ વાંચો : બાંગ્લાદેશ ભડકે બળ્યું, કેમ શેખ હસીનાને દેશ છોડી ભારતમાં શરણ લેવી પડી? સમજો સરળ ભાષામાં

શેખ હસીનાના પતિને પણ ભારતમાં અપાઈ નોકરી

શેખ હસીનાને ઇન્ડિયા ગેટ નજીક પંડારા પાર્ક સી બ્લોકમાં એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો અને તેમને કહેવામાં આવ્યું કે તે બહારના લોકો સાથે વધુ મળે નહીં અને ઘરેથી ઓછું બહાર નીકળે. તે બાદ 1 ઓક્ટોબર 1975એ શેખ હસીનાના પતિ ડૉક્ટર વાજેદને પરમાણુ ઉર્જા વિભાગમાં ફેલોશિપ પણ આપવામાં આવી હતી.

મોરારજી દેસાઈએ પણ શેખ હસીનાની મદદ કરી હતી

1977માં થયેલી ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હાર બાદ મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. રિપોટ્સ અનુસાર રો ના અભિયાનોમાં તત્કાલીન વડાપ્રધાન ખાસ રસ લેતા નહોતા પરંતુ 'બંગબંધુ શેખ મુજીબુર રહમાન' અનુસાર મોરારજી દેસાઈ શેખ હસીના અને તેમના પતિને ઑગસ્ટ 1977માં મળ્યા હતા, જ્યારે શેખ હસીનાએ તેમની બહેન રેહાનાને દિલ્હી બોલાવવામાં મદદ માગી હતી. મોરારજી દેસાઈએ રેહાનાના દિલ્હી આવવાની વ્યવસ્થા કરાવડાવી હતી. રેહાના ડિસેમ્બરના બીજા અઠવાડિયે દિલ્હી આવી હતી.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિંસામાં 133નાં મોત વચ્ચે શહીદોના પરિવારની અનામત રદ

ધીમે-ધીમે શેખ હસીનાની સુરક્ષા પાછી ખેંચાઈ

રિપોર્ટ અનુસાર શેખ હસીનાની મદદ બાદ ધીમે-ધીમે મોરારજી દેસાઈ તેમની સુરક્ષા ઓછી કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે તેમની પર દબાણ નાખવામાં આવ્યું હતું કે તેઓ આપમેળે જ ભારત છોડીને જતાં રહે. પહેલાં તેમની વીજળીનો વપરાશ રોકવામાં આવ્યો અને પછી તેમને આપવામાં આવી રહેલી વાહનની સુવિધાને પણ પાછી લેવામાં આવી હતી. જોકે, 1980માં એક વાર ફરી ઇન્દિરા ગાંધી સરકારમાં આવ્યા હતા અને જે બાદ શેખ હસીનાને કોઈ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો નહોતો. ભારતમાં લગભગ 6 વર્ષ રહ્યા બાદ 17 મે 1981એ શેખ હસીના પોતાની પુત્રી સાથે ઢાકા જતા રહ્યા હતા. ઢાકામાં લગભગ 15 લાખ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.


Google NewsGoogle News