બાલ્ટિમોરમાં કાર્ગો શિપ અથડાતાં પૂલ કડડભૂસ

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
બાલ્ટિમોરમાં કાર્ગો શિપ અથડાતાં પૂલ કડડભૂસ 1 - image


- હોલીવૂડ એક્શન મૂવી જેવા રિયલ સીનનો વીડિયો દુનિયાભરમાં વાયરલ: ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી

- 22 ભારતીય ખલાસીઓનો બચાવ   

- અમેરિકામાં સ્થાનિક સમય મુજબ રાત્રે દોઢ વાગ્યે ઘટના બની : બહુ  ટ્રાફિક ન હતો, જોકે કેટલાક વાહનો પ્રવાસીઓ સહિત ઠંડા પાણીમાં ખાબક્યા

- ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ પરના ખાડાઓનું   સમારકામ કરતાં આઠ જણાં નદીમાં પડયા  

બાલ્ટિમોર : યુએસના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટિમોર શહેરની પાટાપસ્કો નદીમાંથી પસાર થઇ રહેલું માલવાહક જહાજ નદીની ઉપર આવેલાં ફ્રાન્સિસ સ્કોટ કી પૂલ સાથે મંગળવારે રાત્રે દોઢ વાગ્યાના સુમારે અથડાતાં આખો પૂલ પત્તાના મહેલની જેમ તુટી પડતાં તેના પર સમારકામ કરી રહેલાં આઠ જણાં સહિત સંખ્યાબંધ કારચાલકો પણ તેમની કાર સાથે નદીના ઠંડા પાણીમાં ખાબક્યા હતા. જ્યારે માલવાહક જહાજના બે પાઇલટ સહિત તમામ ૨૨ ભારતીય ખલાસીઓ સહીસલામત હોવાનું જહાજ ડાલીના સંચાલક સાયનર્જી મરીન ગુ્રપના ચાર્ટર મેનેજરે જણાવ્યું હતું. આ જહાજ બાલ્ટિમોર બંદરેથી માલ ભરી શ્રીલંકાના કોલંબો બંદરે જઇ રહ્યું હતું. 

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે પત્રકારોને જણાવ્યું હતું કે ૯૪૮ ફૂટ લાંબું આ કન્ટેઇનર શિપ આઠ નોટની ઝડપે સ્ટીલના પૂલની નીચેથી પસાર થઇ રહ્યું હતું ત્યારે પૂલને અથડાતાં પૂર્વે પાવર ગુમાવી બેઠું હતું એને એ પછી તે પૂલ સાથે અથડાયું હતું. પ્રથમદર્શી નજરે આ એક અકસ્માત જણાય છે અને તે આતંકી હુમલો હોવાના કોઇ પુરાવા સાંપડયા નથી. આ ઘટનાની તત્કાળ જાણ પ્રમુખ જો બાઇડનને પણ કરવામાં આવી હતી. 

ચાર લેનનો સ્ટીલનો પૂલ  પાટાપસ્કો નદી પરથી પસાર થઇ બાલ્ટિમોર બંદર ભણી લઇ જાય છે. મંગળવારે વહેલી સવારે આ ઘટના બની ત્યારે કારચાલકોનો ટ્રાફિક શરૂ થયો ન હોઇ મોટી જાનહાનિ થઇ ન હોવાનું જણાયું છે. આ ઘટના બની ત્યારે પૂલ પર સમારકામ કરી રહેલાં આઠ કર્મચારીઓ તથા સંખ્યાબંધ કારચાલકો વહેલી સવારે આઠ ડિગ્રી ઠંડા પાણીમાં ખાબક્યા હતા. જ્યાં આ અકસ્માત થયો છે ત્યાં નદીના પાણી પચાસ ફૂટ ઉંડા હોવાનું જણાયું છે. જેમાંથી બે જણાંને બચાવી લેવામાં આવ્યા હતા. હજી બીજા સાત જણાંની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. બાલ્ટિમોરના મેયર બ્રાન્ડોન સ્કોટે જણાવ્યું હતું કે આખો પૂલ હોલિવૂડના કોઇ એક્શન મૂવીનું દૃશ્ય હોય તેમ પત્તાના મહેલની જેમ ગણતરીની સેકન્ડોમાં પાણીમાં તૂટી પડયો હતો. આ ઘટના વિડિયોમાં ઝડપાઇ હોઇ તેને સોશ્યલ મિડિયા પર મુકવામાં આવી હતી. માલવાહક જહાજ ડાલી પૂલને અથડાયા બાદ તેમાં આગ લાગતાં કાળો ધૂમાડો તેમાંથી નીકળવા માંડયો હતો. હાલ જહાજોની અવરજવરને બંધ કરી દેવામાં આવી છે અને ગવર્નર વેસ મૂરે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. 

ડાલી નામના આ જહાજની માલિકી અને સંચાલન સાયનેર્જી મરિન ગુ્રપ દ્વારા કરવામાં આવે છે. તે સિંગાપોરના વાવટા હેઠળ બાલ્ટિમોરથી કોલંબો જઇ રહ્યું હતું. આ કન્ટેઇનર શિપ ૯૮૫ ફૂટ લાંબુ અને ૧૫૭ ફૂટ પહોળું છે. ડેનિશ શિપિંગ કંપની મર્સકે જણાવ્યું હતું કે તેમણે આ જહાજ ચાર્ટર્ડ કર્યું હતું અને તે ગ્રાહકનો માલ લઇ જતું હતું. આ જહાજ પર મર્સક કંપનીનો કોઇ કર્મચારી મોજૂદ નહોતો. જો કે, આ અકસ્માતને પગલે નાસ્ડાક કોપનહેગનમાં મર્સકના ભાવમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

નાઈન ઈલેવન જે આતંકી હુમલો હોવાની થિયરીઓ વહેતી થઈ, વ્હાઈટ હાઉસનો ઈનકાર 

યુએસમાં નાઇન ઇલેવનની ઘટનામાં વિમાનોને આતંકીઓએ કબજે કરી આતંકી હુમલાને અંજામ આપ્યો હતો તેવી રીતે આ જહાજને પણ કબજે કરી આતંકીઓ દ્વારા પૂલને અથડાવવામાં આવ્યું હોવાની કોન્સ્પિરસી થિયરીઓ સોશ્યલ મિડિયા પર વહેતી થઇ હતી.પૂલને અથડાતાં પહેલાં જહાજની વીજળી જતી રહી હોવાની ઘટનાને પગલે જાતજાતની થિયરીઓ વહેતી થઇ હતી. જો કે, સત્તાવાર રીતે આતંકી હુમલો હોવાનો કોઇ પુરાવો મળ્યો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. વ્હાઈટ હાઉસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે આ ઘટનામાં કોઈ બદઈરાદાપૂર્ણ   કૃત્ય હોવાનું જણાયું નથી. 

વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સેલિબ્રિટી  અન ેબિઝનેસમેન એન્ડ્રુ ટેટેએ કહ્યું હતું કે જે રીતે લાઈટ્સ જતી રહી અને શિપને બ્રિજના પિલર્સ તરફ વાળવામાં આવ્યું તે જોતાં આ શિપ ડિજિટલી હેક કરાયું હોવાની પૂરેપૂરી આશંકા છે.  અન્ય કેટલાક યૂઝર્સ દ્વારા પણ આ ઘટના આતંકી કૃત્ય હોવાની થિયરી સાથે સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. 

યુએસમાં 1980 થી 1998 દરમ્યાન આઠ પૂલ તુટી પડવાની ઘટનાઓ બની 

યુએસમાં ૧૯૮૦થી ૧૯૯૮ દરમ્યાન પૂલ તૂટી પડવાની આઠ મોટી ઘટનાઓ બની હતી. જેમાંથી નોંધપાત્ર મોટી ઘટનાઓ નીચે પ્રમાણે છે. 

પોપ્સ ફેરી બ્રિજ: ૨૦ માર્ચ ૨૦૦૯માં મિસિસિપિમાં બિલોક્સી ખાતે પોપ્સ ફેરી બ્રિજ સાથે આઠ તરાપાંને ધકેલી રહેલું જહાજ અથડાતાં પૂલનો દોઢસો ફૂટનો હિસ્સો તૂટી પડયો હતો. 

ક્વિન ઇસાબેલા કોઝ વે: પંદર સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ બનેલી આ ઘટનામાં આઠ જણાના મોત થયા હતા. ટેક્સાસના પોર્ટ ઇસાબેલ ખાતે ક્વિન ઇસાબેલા કોઝવેને ટગબોટ અને તરાપો અથડાતાં પૂલ ૮૦ ફૂટ નીચે અખાતમાં ખાબક્યો હતો. 

ઇએડીએસ બ્રિજ: ૧૪ એપ્રિલ ૧૯૯૮ના રોજ બનેલી આ ઘટનામાં પચાસ જણાને ઇજા થઇ હતી. એન હોલી ટો ટ્રાવેલિંગ સેંટ લૂઇ હાર્બરમાંથી પસાર થતાં ઇએડીએસ બ્રિજની વચ્ચે  અથડાતાં  આઠ બાર્જ તુટી ગયા હતા. જેમાંથી ત્રણ બાર્જ પૂલની નીચે ગેમ્બલિંગ જહાજ સાથે અથડાયા હતા. 

બીગ બાયુ કેનોટ: ૪૭ના મોત : અલાબામામાં મોબાઇલ નજીક બીગ બાયુ કેનોટ રેલરોડ  બ્રિજ સાથે ટગબોટ ગાઢ ધુમ્મસમાં અથડાઇ હતી. આ અકસ્માતની થોડી મિનિટો બાદ ૨૨૦ પ્રવાસીઓ સાથેની એમટ્રેક ટ્રેન તેના પર આવી હતી જે તુટેલા પૂલને કારણે પાટા પરથી ખાબકી હતી અને તેમાં ૪૭ જણાના મોત થયા હતા અને ૧૦૩ને ઇજા થઇ હતી. 

સેમ્બર બ્રીજ : ૨૮ મે ૧૯૯૩ના રોજ ન્યુ ઓર્લિયન્સમાં જજ વિલિયમ સીબેર બ્રિજના હિસ્સાને ટો બોટ ક્રિસ અથડાતાં પૂલના બે થાંભલા વળીને બાર્જ પર તુટી પડયા હતા. એ સમયે પૂલ પરથી પસાર થતી ત્રણ જણાંને લઇને જતી બે કાર કેનાલમાં પડતાં એકનું મોત થયું હતું. 

સનસાઇન સ્કાય બ્રિજ: ૯ મે ૧૯૮૦ના રોજ ૬૦૯ ફૂટ લાંબુ માલવાહક જહાજ ફલોરિડાના થામ્પા બેની શિપિંગ ચેનલમાંથી પસાર થતું હતું ત્યારે રડાર પર કોઇ ચીજ પડવાને કારણે જહાજ સનસાઇન સ્કાય વે બ્રિજને અથડાતાં તેનો ૧૪૦૦ ફૂટનો હિસ્સો તુટી પડયો હતો. એ સમયે પૂલ પરથી પસાર થઇ રહેલી ૨૬ પ્રવાસીઓ ધરાવતી બસ સહિત સાત વાહનો નીચે ૧૫૦ ફૂટ પાણીમાં ખાબક્યા હતા. જેમાં ૩૫ જણાંના મોત થયા હતા. 


Google NewsGoogle News