બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાઃ અમેરિકન પ્રમુખ બાઈડેને જહાજના ભારતીય ક્રૂ મેમ્બર્સને 'હીરો' ગણાવ્યા
Baltimore Bridge Collapsed : અમેરિકાના બાલ્ટીમોરમાં એક મહાકાય માલવાહક જહાજની ટક્કરના કારણે 2.5 કિલોમીટર લાંબો ફ્રાંસિસ સ્કોટ બ્રિજ તૂટી પડ્યા બાદ આ ઘટના આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. બ્રિજ સાથે જહાજની ટક્કર થયા બાદ શરુઆતના કલાકોમાં આ એક આતંકી હુમલો હોવાની થીયરી પણ વહેતી થઈ હતી. જોકે હવે અમેરિકન રાષ્ટ્રપતિથી માંડીને સુરક્ષા એજન્સીઓએ આ એક અકસ્માત હોવાનું કહ્યું છે.
ભારતીય ક્રૂ મેમ્બર્સની સમયસૂચકતાના બાઈડને કર્યા વખાણ
આ જહાજના તમામ 22 ક્રુ મેમ્બર ભારતીય હતા. જહાજના અકસ્માત અંગે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં ક્રુ મેમ્બરની સમયસૂચકતાના વખાણ કર્યા છે. બ્રિજ દુર્ઘટનામાં એવી જાણકારી સામે આવી છે કે, જહાજની બ્રિજ સાથે ટક્કર થઈ તેના પહેલા ક્રુ મેમ્બરે મેરીલેન્ડના અધિકારીઓને ચેતવણી આપીને જહાજ બેકાબૂ થઈ ગયું હોવાની જાણકારી આપી હતી. જેના કારણે આ પુલ પર અવર જવર રોકી દેવામાં આવી હતી. જો આ પ્રકારની વોર્નિંગ જહાજના ક્રૂ મેમ્બર્સે ના આપી હોત તો કદાચ સેંકડો લોકોના જીવ ગયા હોત.
બાઈડને આ બાબતનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, જહાજના કર્મચારીઓએ સરકારને પહેલા જ જાણ કરી દીધી હતી કે, જહાજ કાબૂ બહાર થઈ રહ્યુ છે. તેના પર કંટ્રોલ રહ્યો નથી અને તેના કારણે સબંધિત અધિકારીઓને પુલ પરનો વાહન વ્યવહાર રોકવાની તક મળી ગઈ હતી. અત્યાર સુધી થયેલી તપાસના આધારે તો એવુ કહી શકાય કે આ એક ભયાનક દુર્ઘટના હતી. જહાજે જાણી જોઈને બ્રિજને ટક્કર મારી હોય તેવુ માનવા માટે અત્યાર સુધી કોઈ કારણ મળ્યુ નથી.
આ પહેલા મેરીલેન્ડ રાજ્યના ગર્વનર વેસ મૂરે કહ્યું હતું કે, જહાજ પર સર્જાયેલા પાવર કટ અંગે ઈમરજન્સી કોલ કરીને ક્રુ મેમ્બર્સે જાણકારી આપી હતી. જેના કારણે વાહનોને પુલ પર જતા પહેલા રોકી દેવામાં આવ્યા હતા. આ ક્રૂ મેમ્બર્સ હીરો છે અને તેમણે ગઈકાલે રાતે ઘણાં લોકોના જીવ બચાવ્યા હતા. હાલમાં તપાસ ચાલી રહી છે પણ હું આ ક્રૂ મેમ્બર્સનો સમયસર વોર્નિંગ આપવા માટે આભારી છું.