બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકન કૉમિક્સે બનાવ્યું જાતિવાદી કાર્ટૂન, ભારતીય ક્રૂની કરી મજાક

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકન કૉમિક્સે બનાવ્યું જાતિવાદી કાર્ટૂન, ભારતીય ક્રૂની કરી મજાક 1 - image


Baltimore Bridge Collapse : બાલ્ટીમોરમાં 'ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ' સાથે માલવાહક જહાજ 'ડાલી' ટકરાતા તે ધરાશાયી થઈ ગયો હતો. માલવાહક જહાજના 22 સભ્યોની ટીમની તાત્કાલિક કાર્યવાહીના અમેરિકન પ્રમુખ જો બાઈડને પણ વખાણ કર્યા હતા, પરંતુ ફોક્સફોર્ડ કોમિક્સે બાલ્ટીમોર દુર્ઘટનાને લઈને જાતિવાદી કાર્ટૂન બનાવીને આ જહાજના ભારતીય ક્રૂની બેશરમપૂર્વક મજાક કરી છે. આ કાર્ટૂન 'X' પર શેર કરાયું છે, જેનો ભારતીયો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. 

બાલ્ટીમોરમાં મંગળવાર બપોરે સિંગાપોરના ધ્વજવાળા માલવાહક જહાજ ડાલીના ટકરાવાથી પટાપ્સકો નદી પર બનેલો 2.6 કિલોમીટર લાંબા ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ કેટલીક સેકન્ડમાં તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. જહાજના ચાલક દળમાંથી મોટા ભાગના ભારતીય હતા. આ ટીમે દુર્ઘટના પહેલા મેરીલેન્ડ પરિવહન વિભાગને જહાજથી નિયંત્રણ ગુમાવ્યાની માહિતી આપી હતી.

આ માહિતી મળ્યાના અંદાજે 90 સેકેન્ડ બાદ જ પોલીસ અધિકારીઓએ બ્રિજ પર અવરજવર રોકી દીધી હતી. તેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા, પરંતુ જહાના ક્રૂના વખાણ કરવાના બદલે અમેરિકન વેબ કોમિક્સે આ દુર્ઘટનાને દર્શાવતું એક જાતિવાદી કાર્ટૂન શેર કર્યું છે. આ એનિમેટેડ વીડિયોમાં જહાજના ક્રૂને માત્ર લંગોટ પહેરેલા અને મોં પર ભય હોય એવા દર્શાવાયા છે. આ લોકોના ચહેરા પરના ભાવ એવું દર્શાવે છે કે, હવે જહાજ બ્રિજને ટકરાઈ રહ્યું છે. 

ફૉક્સફોર્ડ કૉમિક્સે વીડિયો શેર કરતા 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ડાલીની અંદરનું અંતિમ રેકોર્ડિંગ'.  આ સિવાય કાર્ટૂનમાં અપમાનજનક ઓડિયો પણ છે. આ કાર્ટૂન પ્રસારિત થઈ ચૂક્યું છે, જેમાં ભારતીયોનું ન માત્ર જાતિવાદી ચિત્રણ કરાયું છે, પરંતુ જહાજના ચાલક દળની ક્ષમતાને ઓછી પણ આંકવામાં આવી છે. ભારતીય અર્થશાત્રી સંજીવ સાન્યાલે કાર્ટૂન શેર કરતા લખ્યું કે, ‘આ દુર્ઘટના સમયે જહાજ સ્થાનિક પાયલોટ જ ચલાવતો હતો.’

એક યુઝર પૂજા સાંગવાને કહ્યું કે, 'આ શરમજનક છે કે લોકો આ દુઃખદ ઘટના માટે ભારતીયોની મજાક ઉડાવી રહ્યા છે, જ્યારે ખુદ મેરીલેન્ડના ગવર્નર ક્રૂના વખાણ કરી રહ્યા છે.’


Google NewsGoogle News