પૂરના પ્રકોપથી બેહાલ પાકિસ્તાનમાં હિન્દુ મંદિરે મુસ્લિમો માટે દરવાજા ખોલી નાંખ્યા, 200 લોકોને આશરો આપ્યો
નવી દિલ્હી, તા. 11. સપ્ટેમ્બર, 2022 રવિવાર
પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર નવી વાત નથી.છાશવારે તેને લગતા કિસ્સા બહાર આવતા રહે છે.આમ છતા હાલમાં પૂરના પ્રકોપથી બેહાલ થયેલા પાકિસ્તાનમાં લોકોને મદદ કરવા માટે બલૂચિસ્તાનનુ હિન્દુ મંદિર આગળ આવ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે મંદિરમાં પૂરના કારણે બેહાલ થયેલા મુસ્લિમ પરિવારોને આશ્રય અપાયો છે અને તેમના ખાવા પીવાની વ્યવસ્થા પણ મંદિરે કરી છે.તેમના પશુઓની સુરક્ષા પણ મંદિર કરી રહ્યુ છે.
આ મંદિર બલૂચિસ્તાનના કચ્છી જિલ્લામાં આવેલુ છે.જ્યાં પૂરે ભારે ખાના ખરાબી સર્જી છે.ગામના રહેવાસીઓને જ્યારે તંત્રે ઉપરવાળાના ભરોસે છોડી દીધા હતા ત્યારે સ્થાનિક હિન્દુ સમુદાયે લોકોની મદદ કરવા માટે મંદિરના દરવાજા ખોલી દીધા હતા.
આ મંદિર ઉંચાઈ પર છે અને તેના કારણે પૂરના પાણીથી તે સુરક્ષિત રહી શક્યુ છે.હિન્દુ સમુદાયના મોટા ભાગના લોકો રોજગારીની તલાશમાં ગામ છોડીને બીજે જતા રહ્યા છે પણ મંદિર પરિસરમાં હજી કેટલાક હિન્દુ પરિવારો રહે છે.હાલમાં 55 વર્ષીય રતન કુમાર મંદિરના પ્રભારી છે.મંદિરમાં 100 થી વધારે રુમ છે .કારણકે બલુચિસ્તાન અને સિંધથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તીર્થયાત્રા માટે અહીં આવે છે.
મંદિરને વરસાદમાં નુકસાન તો થયુ જ છે.કેટલાક રુમ ક્ષતિગ્રસ્ત થયા છે.જોકે મોટાભાગનો હિસ્સો અકબંધ છે અને અહીંયા 200 થી 300 લોકોને આશરો આપવામાં આવ્યો છે.મંદિરમાં ભોજનની વ્યવસ્થા પણ થઈ છે અને મેડિકલ કેમ્પ પણ શરુ કરાયો છે.
મંદિરમાં આશરો લેવા માટે સ્થાનિક હિન્દુઓએ લાઉડ સ્પીકર પર વારંવાર જાહેરાત કરીને લોકોને અપીલ કરી હતી.