પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ, બલૂચિસ્તાનમાં ઈદના સરઘસ પર હુમલો, મૃત્યુઆંક 50ને પાર

બલૂચિસ્તાનમાં ઈદ નિમિત્તે નિકળેલા સરઘસને ટાર્ગેટ કરીને વિસ્ફોટ કરાયો

બલૂચ બળવાખોરો અને પાકિસ્તાની સુરક્ષાદળો વચ્ચે પણ છાશવારે અથડામણો થતી હોય છે

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ, બલૂચિસ્તાનમાં ઈદના સરઘસ પર હુમલો, મૃત્યુઆંક 50ને પાર 1 - image

ઈસ્લામાબાદ, તા.29 સપ્ટેમ્બર, 2023

પાકિસ્તાનના (Pakistan Blast)  બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ પાસેથી ઈદ નિમિત્તે સરઘસ નિકળ્યુ હતુ તે દરમિયાન વિસ્ફોટ કરાયો હતો. એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 52 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. મૃતકોમાં પોલીસના જવાનો પણ સામેલ છે. ત્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉને આપી છે. મહત્વનું છે કે, બલૂચ બળવાખોરો અને પાકિસ્તાની  સુરક્ષાદળો વચ્ચે પણ છાશવારે અથડામણો થતી હોય છે. પાકિસ્તાનનો આ વિસ્તાર ધીરે ધીરે અશાંતિની આગમાં ઝોંકાઈ રહ્યો છે. 

મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અત્તાહુલ મુનીમે કહ્યું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાદ રોડ પર આવેલ મદીના મસ્જિદ પાસે એક વિસ્ફોટ થયો. આ ત્યારે થયો જ્યારે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના એક જુલૂસમાં ભાગ લેવા માટે ત્યાં એકઠા થઈ રહ્યા હતા.

ડૉન ન્યૂઝ પેપરે શહીદ નવાબ ગૌસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સઈદ મીરવાનીના હવાલાથી મોતના આંકડાની પુષ્ટિ કરી છે. સિટી સ્ટેશન હાઉસ ઓફિસર મોહમ્મદ જાવેદ લેહરીએ જણાવ્યું છે કે, બોમ્બ વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું પણ મોત થયું છે. તેમણે જણાવ્યું કે, બ્લાસ્ટ એક સુસાઈડ બ્લાસ્ટ હતો, જે DSP ગિસખૌરીની કાર પાસે જઈને ફૂટ્યો હતો.

બલૂચિસ્તાનના વચગાળાના સૂચના મંત્રી જાન અચકજઈએ કહ્યું કે, બચાવ દળને મસ્તુંગ મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને ક્વેટા લઈ જવાઈ રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગૂ કરી દેવાઈ છે. જાન અચકજઈએ કહ્યું કે, અમારા દુશ્મન વિદેશી મદદથી બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને ખતમ કરવા ઈચ્છે છે. વિસ્ફોટ અસહનીય છે.

બલૂચિસ્તાનમાં આ મહિનામાં જ થયો હતો વિસ્ફોટ

બલૂચિસ્તાનમાં (Baluchistan Blast) આ મહિનાની શરુઆતમાં પણ આ જ જિલ્લામાં વિસ્ફોટ થયો હતો અને તેમાં 11 લોકો ઘાયલ થયા હતા.આ ઉપરાંત એક સરકારી અધિકારીને બસ સ્ટેન્ડ પર ગોળી મારવાની ઘટના પણ બની હતી.

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો વચ્ચેની દુશ્મનાવટ પણ હુમલાનુ કારણ બનતી હોય છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ક્વેટા શહેરની મસ્જિદમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ 10 લોકોના મોત થયા હતા.

બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોની બલૂચિસ્તાન લિબરેશન આર્મી પણ સક્રિય છે.સાથે સાથે તહેરીક એ તાલિબાન સંગઠન પણ પાકિસ્તાની સરકારની નાકમાં દમ કરી રહ્યુ છે.બલૂચિસ્તાનમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે.તેમને લાગે છે કે, આ પ્રોજેકટથી બલૂચિસ્તાનને કોઈ ફાયદો થયો નથી.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News