બલૂચિસ્તાનનુ માચ શહેર ભડકે બળ્યુ, 45 પાક સૈનિકો માર્યા ગયા હોવાનો બલૂચ લિબરેશન આર્મીનો દાવો
image : twitter
ઈસ્લામાબાદ,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની સરકાર સામે ભડકેલી વિદ્રોહની આગ ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.
બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના માચ અને બોલન શહેરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર એક પછી એક સંખ્યાબંધ હુમલા કર્યા હોવાનો અને તેમાં 45 સૈનિકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.
બીજી તરફ પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે આ હુમલાઓમાં ઓછામાં ઓછા 10 સૈનિકો માર્યા ગયા છે. સરકાર તરફથી આ બાબતને સમર્થન અપાયુ નથી. બીજી તરફ એવુ કહેવાઈ રહ્યુ છે કે, બલૂચ વિદ્રોહીઓએ ઘણા પાકિસ્તાની સૈનિકોને બંધક પણ બનાવ્યા છે. બલૂચ લિબરેશન આર્મીએ માચ અને બોલન શહેરની આસપાસ સુરંગો પણ બીછાવી દીધી છે અને પાકિસ્તાની સેનાને શહેરોમાં પ્રવેશતા રોકવા માટે લડત આપી રહી છે.
બલૂચો દ્વારા થયેલા હુમલામાં માચ શહેરની જેલ તેમજ સરકારી ઈમારતોને ઘણુ નુકસાન થયુ છે. બલૂચ લિબરેશન આર્મીએ રેલવે સ્ટેશનને પોતાના નિયત્રણ હેઠળ લેવાનો દાવો કર્યો છે. જ્યારે પાકિસ્તાની સરકારનુ કહેવુ છે કે, સોમવારની રાત્રે 3 મોટા હુમલા બલૂચ વિદ્રોહીઓ દ્વારા થયા હતા પણ આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. કોઈ સરકારી ઈમારતો પર બલૂચોનો કબ્જો થયો ન થી.
બલૂચ લિબરેશન આર્મીએ કહ્યુ છે કે, આ અભિયાનમાં અમારા સ્પેશ્યિલ યુનિટ, માજિદ બ્રિગેડ, ફતેહ સ્કવોડ સામેલ છે. લોકો પોતાના ઘરોમાં જ રહે અને હાઈવે પર અવર જવર કરવાનુ ટાળે.
એવુ પણ જાણવા મળ્યુ છે કે, પાકિસ્તાની આર્મી તેમજ બલૂચ વિદ્રોહીઓ વચ્ચે કલાકોથી અથડામણ ચાલુ છે અને હવે પાકિસ્તાની સેના લડાકુ હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરી રહી છે.
માચ શહેરની જેલમાં 800 જેટલા બલૂચ વિદ્રોહીઓને પૂરવામાં આવ્યા છે અને તેમને છોડાવવા માટે બલૂચ લિબરેશન આર્મીએ હમલો કર્યો હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.
દરમિયાન માચ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.