Get The App

કેનેડામાં રહેતા બલૂચ, પશ્તુન અને સિંધી સમુદાય દ્વારા પાકિસ્તાન સામે દેખાવો, સેના પર અત્યાચારનો આરોપ મુક્યો

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
કેનેડામાં રહેતા બલૂચ, પશ્તુન અને સિંધી સમુદાય દ્વારા પાકિસ્તાન સામે દેખાવો, સેના પર અત્યાચારનો આરોપ મુક્યો 1 - image


Image Source: Twitter

ઓટાવા, તા. 07 જાન્યુઆરી 2024

ભારત પાસેથી કાશ્મીર આંચકી લેવાના દિવા સ્વપ્ન જોતા પાકિસ્તાન માટે પોતાના જ ઘરની સ્થિતિ સંભાળવની મુશ્કેલ બની રહી છે.

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લોકોનો પોતાની જ સરકાર સામે અસંતોષ વધી રહ્યો છે અને હવે તેના પડઘા કેનેડામાં પણ પડયા છે. કેનેડામાં રહેતા બલૂચ, સિંધી અને પશ્તુન લોકોએ પાકિસ્તાન સરકાર સામે શનિવારે દેખાવો કર્યા હતા.

હાલમાં પાકિસ્તાનમાં બલૂચ લોકો દ્વારા ઈસ્લામાબાદ સુધી એક માર્ચ કાઢવામાં આવી છે. જેને પણ કેનેડામાં રહેતા પાકિસ્તાની બલૂચોએ સમર્થન આપીને કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં હજારો બલૂચ લોકોની હત્યા, ગાયબ થવાની ઘટનાઓ અને બલૂચો પર અત્યાચાર માટે પાકિસ્તાની સરકાર જવાબદાર છે. પાકિસ્તાની સેના બલૂચ લોકો પર અત્યાચાર ગુજારી રહી છે.

કેનેડાના ટોરોન્ટો શહેરમાં બલૂચ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ, વર્લ્ડ સિંદી કાઉન્સિલ અને પશ્તુન કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે પાકિસ્તાન વિરોધી દેખાવો કરીને પાકિસ્તાનની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. આ સંગઠનોના નેતાઓએ દેખાવો દરમિયાન કહ્યુ હતુ કે, પશ્તૂનો, સિંધિઓ અને બલૂચોના માનવાધિકાર કાર્યકરો પાકિસ્તાનમાં અચાનક જ ગાયબ થઈ જાય છે અથવા તો તેમની ધરપકડ કરવામાં આવે છે. જેની પાછળ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓનો હાથ છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં બલૂચ લોકો પર થતા અત્યાચારન મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વખત ઉઠી ચૂકયો છે. બલૂચિસ્તાનમાં હજારો લોકો અત્યાર સુધીમાં ગાયબ થઈ ચુકયા છે અને તેના વિરોધમાં હજારો બલૂચ મહિલાઓએ ઈસ્લામાબાદ સુધી એક રેલી કાઢીને દેખાવો કર્યા છે.


Google NewsGoogle News