બલૂચ બળવાખોરોએ ક્વેટા રેલવે સ્ટેશન ઉડાવ્યું, 14 સૈનિક સહિત 27નાં મોત
- અત્યાચારી પાક. સરકાર-સૈન્ય સામે બલૂચ નાગરિકોનો લોહિયાળ જંગ
- તાલિમ બાદ ઝાફર એક્સપ્રેસ ટ્રેનમાં જઇ રહેલા પાક. સૈનિકોને નિશાન બનાવી આત્મઘાતી વિસ્ફોટ કરાયો
ક્વેટા: પાકિસ્તાન સરકાર અને સૈન્યએ બાનમાં લીધેલા બલુચિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સૈન્યના ૧૪ સૈનિકો સહિત કુલ ૨૭ લોકો માર્યા ગયા છે. જ્યારે અન્ય ૬૨થી વધુ લોકો ઘાયલ થયા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વિસ્ફોટ થયો ત્યારે સ્થળ પર આશરે ૧૦૦ મુસાફરો હાજર હતા. ઘાયલમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ હુમલો બલૂચિસ્તાનમાં બળવા પર ઉતરી આવેલા સંગઠન બલૂચ લિબરેશન આર્મી દ્વારા કરાયો હતો.
ક્વેટાના રેલવે સ્ટેશન પર ઝાફર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા માટે મુસાફરો તૈયાર થઇ જ રહ્યા હતા કે તુરંત જ મોટો વિસ્ફોટ થયો હતો. આ ટ્રેન સવારે નવ કલાકે પેશાવર માટે રવાના થવાની હતી. ટ્રેનમાં તાલિમ લીધેલા પાક. સૈન્યના સૈનિકો પણ જઇ રહ્યા હતા જેને નિશાન બનાવીને જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ક્વેટાના વરીષ્ઠ પોલીસ અધિકારી એસએસપી મોહમ્મદ બલૂચે જણાવ્યું હતું કે ઘાયલોમાં અનેકની સ્થિતિ ગંભીર છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ રેલવે સ્ટેશનના બૂકિંગ કાર્યાલયથી ટ્રેનના પ્લેટફોર્મની વચ્ચે થયો હતો.
આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી નામના સંગઠન દ્વારા લેવામાં આવી છે. જે પોતાને બલૂચની સ્વતંત્રતા માટે લડાઇ લડનારા સંગઠન તરીકે ઓળખાવે છે. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારો ટાર્ગેટ પાકિસ્તાની સૈન્ય છે, ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા હુમલાની જવાબદારી અમે સ્વીકારીએ છીએ. સવારે અમે રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સૈન્યના એક યૂનિટને ટાર્ગેટ કરીને આ હુમલો કર્યો હતો, પાક. સૈન્યના સૈનિકો અહીંના ઇન્ફ્રેંટ્રી સ્કૂલમાં કોર્સ પૂર્ણ કર્યા બાદ ઝાફર એક્સપ્રેસ ટ્રેનથી પેશાવર તરફ જઇ રહ્યા હતા. આ હુમલાને બલૂચ લિબરેશન આર્મીના ફિદાયીન યૂનિટ મજીદ બ્રિગેડે અંજામ આપ્યો છે તેમ સંગઠને જણાવ્યું હતું. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળોને હાલ સ્થળ પર તૈનાત કરાયા છે. જ્યારે ક્વેટાની હોસ્પિટલમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ વિસ્ફોટની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં પ્લેટફોર્મના ચીથડા ઉડી ગયેલા તેમજ આસપાસ લોકોનો માલ સામાન વેર વિખેર સ્થિતિમાં છે. કેટલાક મૃતદેહો પણ પડયા છે. મૃતકોમાં ૧૪ પાક. સૈન્યના સૈનિકો છે જ્યારે ઘાયલોમાં પણ અનેક સૈનિકોનો સમાવેશ થાય છે. હુમલાખોર સંગઠને પુરા પ્લાનિંગ સાથે આ આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હોય તેમ સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. કેમ કે હુમલામાં સૌથી વધુ નિશાના પર પાક. સૈન્યના સૈનિકો રહ્યા છે.
બલૂચિસ્તાનના નાગરિકો પર પાક. સૈન્ય અને પોલીસ દ્વારા ક્રૂર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. આ અત્યાચારોને પરિણામે જ અહીંના સ્થાનિકો દ્વારા હથિયારો ઉઠાવવામાં આવ્યા છે અને પાક. સરકાર સામે એક રીતે બળવો કરી નાખ્યો છે. આ બળવાના ભાગરુપે જ આ વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હોવાનો દાવો હુમલાખોર સંગઠન બલૂચ લિબરેશન આર્મી દ્વારા કરાયો છે. આ હુમલો પાક. સરકાર અને સૈન્ય તેમજ અત્યાચારી પોલીસને આ બળવાખોરોનો સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.