ઈસ્લામાબાદમાં બલૂચોના ઉગ્ર દેખાવ, 1600 કિ.મી. સુધી રેલી યોજી પાકિસ્તાનની રાજધાનીનો કર્યો ઘેરાવ
પાકિસ્તાની સુરક્ષા દળોએ બલૂચ યુવક મોલા બક્ષની હત્યા કરી નાખી હતી
image Source: Twitter |
ઈસ્લામાબાદ, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર
Baloch Movement In Pakistan: ભારત અને પાકિસ્તાનનું વિભાજન વર્ષ 1947માં થયું હતું. જો કે તે સમયે બલૂચિસ્તાન એક અલગ દેશ બનાવવાની રાહ પર હતો પરંતુ પાકિસ્તાની સેનાના ઈરાદા કઈક બીજા જ હતા. તેઓએ બલૂચિસ્તાન પર હુમલો કરીને કબજો કરી લીધો. ત્યારબાદથી જ બલૂચિસ્તાન પોતાના અધિકારો માટે અને અલગ દેશ માટે પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
હાલના કેટલાક દિવસોમાં બલૂચિસ્તાનીઓએ પાકિસ્તાની શાસકો વિરુદ્ધ પોતાના વિરોધને વધુ ઉગ્ર બનાવી દીધો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ 23 વર્ષના બલૂચ યુવકની હત્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાની સુરક્ષા દળોએ મોલા બક્ષની હત્યા કરી નાખી હતી. 20 નવેમ્બરે તેની અટકાયત કરવામાં આવી હતી અને 23 નવેમ્બરના રોજ શૂટઆઉટમાં મારી નાખવામાં આવ્યો હતો. ત્યારથી બલૂચ લોકો સતત પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મહરંગ બલૂચ કરી રહી નેતૃત્વ
બલૂચ લોકોએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઘેરાબંધી કરવાનું શરૂ કરી દીધુ છે. આ દરમિયાન તેમણે બલૂચિસ્તાનથી ઈસ્લામાબાદ સુધી 1600 કિમી લાંબી રેલી કાઢી અને રાજધાનીનો ઘેરાવ કરવાનું શરૂ કરી દીધુ છે. આ દરમિયાન બલૂચ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વિપક્ષી નેતા મહરંગ બલૂચ કરી રહી છે. મહરંગ બલૂચનો પાકિસ્તાન સામે આરોપ છે કે, તેઓ બલૂચિસ્તાન પ્રાંતમાં પુરુષોને કથિત રીતે બળજબરી પૂર્વક ગાયબ કરી રહ્યા છે.
બીજી તરફ ગુરુવારે ઈસ્લામાબાદમાં પોલીસે મહિલાની આગેવાની હેઠળના પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરી નાખવા માટે ટીયર ગેસ અને વોટર કેનન્સ છોડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજધાનીમાં પ્રવેશ કરતાની સાથે જ વિપક્ષી નેતા મહરંગ બલૂચ સહિત ઓછામાં ઓછા 200 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.