Get The App

આખરે અમેરિકાને મળ્યું એનું રાષ્ટ્રીય પક્ષી, બાલ્ડ ઈગલને આ સન્માન આપવામાં કેમ 248 વર્ષ લાગ્યાં?

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
આખરે અમેરિકાને મળ્યું એનું રાષ્ટ્રીય પક્ષી, બાલ્ડ ઈગલને આ સન્માન આપવામાં કેમ 248 વર્ષ લાગ્યાં? 1 - image


US National Bird Bald Eagle: અમેરિકન પ્રમુખ જો બાઈડનનો કાર્યકાળ હવે એક મહિના કરતાંય ઓછો રહ્યો છે, પણ જતાં-જતાં બાઈડન અમેરિકાને એક ભેટ આપી રહ્યા છે. તેમણે બાલ્ડ ઈગલને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરી દીધું છે. મંગળવારે રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કાયદામાં હસ્તાક્ષર કર્યા પછી બાલ્ડ ઈગલ અમેરિકાનું સત્તાવાર રાષ્ટ્રીય પક્ષી બની ગયું છે.

બાલ્ડ ઈગલ તો બધે જ જોવા મળતું હતું, છતાં…

બાલ્ડ ઈગલ છેલ્લા 248 વર્ષથી, વર્ષ 1776માં અમેરિકાની સ્થાપના થયેલી, ત્યારથી અમેરિકાનું પ્રતીક રહ્યું છે. અમેરિકન પ્રમુખના ધ્વજ પર, એક ડોલરની ચલણી નોટ પર, અમેરિકન મિલિટરીના ચિહ્નો અને અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને અપાતી છડીમાં પણ બાલ્ડ ઈગલના ચિત્રનો ઉપયોગ કરાતો આવ્યો છે. તેથી જ લોકોને લાગતું હતું કે, અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી તો બાલ્ડ ઈગલ જ છે. પણ બાલ્ડ ઈગલને એ સન્માન હવે 248 વર્ષ પછી સત્તાવાર રીતે મળ્યું છે. તાજી જાહેરાતથી ખુદ અમેરિકનો પણ નવાઈ પામી ગયા છે. 

બાલ્ડ ઈગલ કેમ અત્યાર સુધી આ સન્માનથી વંચિત હતું?

અમેરિકાની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ‘ફાઉન્ડિંગ ફાધર્સ’માં જ્હોન એડમ્સ, સેમ્યુઅલ એડમ્સ, બેન્જામિન ફ્રેન્કલિન, એલેક્ઝાન્ડર હેમિલ્ટન, થોમસ જેફરસન, જેમ્સ મેડિસન, જ્યોર્જ વોશિંગ્ટન, જ્હોન જે, જ્યોર્જ મેસન અને પેટ્રિક હેનરી જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રીય પ્રતીક એવા ‘ગ્રેટ સીલ’ની ડિઝાઈનમાં બાલ્ડ ઈગલનો સમાવેશ કરવાનો વિચાર રજૂ થયેલો ત્યારે બેન્જામિન ફ્રેન્કલીને એમ કહીને એનો વિરોધ કરેલો કે ‘બાલ્ડ ઈગલ ‘ખરાબ નૈતિક આભા’ ધરાવે છે. 

આ પણ વાંચો: હવે અમેરિકાને આખો ગ્રીનલેન્ડ દેશ ખરીદવો છે, જાણો કેવી રીતે એક દેશ બીજા દેશને વેચી શકાય

બાલ્ડ ઈગલને બદલે આ પક્ષીને વધુ લાયક ગણાવાયું હતું

બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું હતું કે, ‘બાલ્ડ ઈગલ પ્રામાણિકપણે જીવન જીવતું નથી. એના કરતાં ટર્કી પક્ષી વધુ લાયક છે. ટર્કી અમેરિકાનું મૂળ વતની પણ છે.’

વિરોધ છતાં ‘ગ્રેટ સીલ’માં સમાવાયું

બેન્જામિન ફ્રેન્કલિનના વિરોધ છતાં 1782માં રચાયેલા ‘ગ્રેટ સીલ’ની ડિઝાઈનમાં બાલ્ડ ઈગલનો સમાવેશ કરાયો હતો. વર્ષોત્તર ‘ગ્રેટ સીલ’ની ડિઝાઈન બદલાતી ગઈ, પણ બાલ્ડ ઈગલનું સ્થાન યથાવત્ રહ્યું હતું.

બાલ્ડ ઈગલ લુપ્ત થવાને આરે હતું

વસવાટનો વિસ્તાર ઓછો થઈ જવાથી, ખેતીમાં જંતુનાશકોના ઉપયોગને લીધે અને વ્યાપક શિકારને કારણે એક તબક્કે બાલ્ડ ઈગલનું અસ્તિત્વ જોખમાં આવી પડ્યું હતું. 1900 ના દાયકાના મધ્યમાં તેમની સંખ્યા ઘટીને ત્રણ આંકડામાં આવી ગઈ હતી. લુપ્ત થવાની આરે પહોંચેલા પક્ષીને બચાવવા માટે ‘બાલ્ડ ઈગલ પ્રોટેક્શન એક્ટ’ની ઘોષણા કરવામાં આવી, જેને લીધે એની વસ્તીમાં વધારો થવા લાગ્યો. 2019 ના ડેટા કહે છે કે, અમેરિકામાં આ પક્ષીની વસ્તી વધીને અંદાજે 316,700 થઈ ગઈ છે. એમાં 71,467 સંવર્ધન પામેલ જોડીનો સમાવેશ થાય છે.

દેખાવે ખૂંખાર છતાં સંવેદનશીલ

દેખાવે ખૂંખાર લાગતું બાલ્ડ ઈગલ એના પર્યાવરણ બાબતે સંવેદનશીલ છે. હવામાનમાં આવતાં લાંબા ગાળાના ફેરફારો બાલ્ડ ઈગલના કુદરતી રહેઠાણને મર્યાદિત કરી દે છે અને એની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો કરી દે છે.

આ પણ વાંચો: અમેરિકામાં 37 ગુનેગારનો મૃત્યુદંડ માફ કરાતા ટ્રમ્પ ભડક્યા, કહ્યું- ‘બાઈડેને પીડિતોના પરિવારનું અપમાન કર્યું’


Google NewsGoogle News