બહેરિનમાં ઈસ્લામ ધર્મ બાબતે ટીકા કરવા બદલ ત્રણને જેલ
ધાર્મિક નિંદાના મુદ્દે શિયા-સુન્ની વચ્ચે ઘર્ષણ
શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતા બહેરિનમાં સુન્ની રાજા હમદ અલ ઈસા સામે આક્રોશ
બહેરિનમાં ઈસ્લામ ધર્મની ટીકા કરનારા ત્રણ આરોપીઓને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સરકારી વકીલના કહેવા પ્રમાણે આ ત્રણ લોકો એક કલ્ચરલ સોસાયટી સાથે જોડાયેલા છે અને ઈસ્લામ ધર્મની જાહેરમાં આલોચના કરતા હતા.
બહેરિનમાં તાજદીદ નામની એક સ્થાનિક કલ્ચર સોસાયટીના ત્રણ સભ્યોને ઈસ્લામ ધર્મની ટીકા કરવાના આરોપમાં એક-એક વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. શિયા મૌલવીઓ સહિતના આ સંગઠનના ટીકાકારોએ કહ્યું હતું કે પૈયમ્બર સાહેબ અને ઈસ્લામ ધર્મની ટીકા યોગ્ય નથી. જોકે, સંગઠને કહ્યું હતું કે અમે ઈસ્લામ ધર્મના મૂળ ગ્રંથ કે નિયમોના ટીકાકાર નથી. મૌલવીઓ, ઈસ્લામિક સ્કોલર અને ઈસ્લામ ધર્મની સ્થાપના પછીની સદીઓમાં સર્જાયેલા ધાર્મિક સાહિત્ય બાબતે સ્વતંત્ર વિચારો વ્યક્ત કરીએ છીએ.
ઈસ્લામ ધર્મની ટીકા-ટીપ્પણી બાબતે બહેરિનમાં શિયા-સુન્નીઓ વચ્ચે ઘર્ષણ થયા કરે છે. બહેરિનમાં બહુમતી નાગરિકો શિયા મુસ્લિમ ધર્મી છે અને સુલતાન હમદ બિન ઈસા સુન્ની ઈસ્લામ ધર્મી છે. પરિણામે બહુમતી નાગરિકો શિયાઓને રંજાડાતા હોવાનો આરોપ પણ લગાવે છે. આ ત્રણ આરોપીઓને ઈસ્લામની ટીકા બાબતે સજા થઈ તેના કારણે શિયા-સુન્ની સમાજ વિભાજિત થઈ ગયો છે. શિયા ઈસ્લામના સુધારાવાદી સ્કોલર્સ માને છે કે સંગઠન સહિત આરોપીઓએ ઈસ્લામ ધર્મની ટીકા નથી, પરંતુ સ્થાપિત હિતો દ્વારા ગેરસમજો ફેલાવવામાં આવે છે તે બાબતે ટીકા કરી હતી.