Get The App

પેપર સ્ટ્રોની જગ્યાએ પ્લાસ્ટિક સ્ટ્રો, ટ્રમ્પના અજીબોગરીબ આદેશનો રોચક ઇતિહાસ

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
પેપર સ્ટ્રોની જગ્યાએ પ્લાસ્ટિક સ્ટ્રો, ટ્રમ્પના અજીબોગરીબ આદેશનો રોચક ઇતિહાસ 1 - image


Trump Allow To Use Plastic Straws: અમેરિકામાં 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ પદે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક અટપટા નિર્ણયોથી વિશ્વ અસમંજસમાં મૂકાયું છે. હાલમાં જ ટ્રમ્પે પેપર સ્ટ્રો મુદ્દે બાઇડેનના નિર્ણયને પાછો ખેંચતા ટીકાઓ સામનો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનના પ્લાસ્ટિક સ્ટ્રોના સ્થાને પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવાનો નિર્ણય પાછો ખેંચી પ્લાસ્ટિક સ્ટ્રોના વપરાશને પ્રોત્સાહન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, બેક ટુ પ્લાસ્ટિક. મેક ઈન સ્ટ્રો ગ્રેટ અગેન. ટ્રમ્પના નિર્ણયની અમુક વર્ગ ટીકાઓ કરી રહ્યો છે, જ્યારે ઘણા લોકો સમર્થન પણ આપી રહ્યા છે. ટ્રમ્પના કટ્ટર સમર્થક ઈલોન મસ્કે તો ટ્રમ્પને તેમના આ નિર્ણયના કારણે અત્યાર સુધીના સૌથી ગ્રેટ પ્રેસિડન્ટ તરીકે સંબોધ્યા છે.

પ્લાસ્ટિક સ્ટ્રો વિવાદ નવો નથી

ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા દેશો પર કબજો કરવાની ધમકી, ટેરિફ વોર, ફેડરલ ગવર્નમેન્ટની યોજનાઓ પર કાપ, સ્ટાફની છટણી જેવા નિર્ણયોના કારણે વિવાદ વધ્યો છે. અમેરિકામાં પ્લાસ્ટિક સ્ટ્રો વિવાદ નવો નથી. બરાક ઓબામાથી માંડી બાઇડેન અને ટ્રમ્પે પણ આ મુદ્દે મોટી મોટી જાહેરાતો કરી છે. બરાક ઓબામા અને બાઇડેન પર્યાવરણની સુરક્ષા માટે પેપર સ્ટ્રોને સમર્થન આપે છે, જ્યારે ટ્રમ્પ માને છે કે, પેપર સ્ટ્રો લાંબો સમય ટકી શકતી ન હોવાથી પ્લાસ્ટિક સ્ટ્રો શ્રેષ્ઠ છે.

2027 સુધી પ્લાસ્ટિકમુક્ત અમેરિકા બનાવવાનું વિઝન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બાઇડેને ગત વર્ષે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે યોજનાઓ શરુ કરી હતી. પ્લાસ્ટિક પ્રદુષણને સંકટ તરીકે દર્શાવતા બાઇડેને 2027 સુધીમાં અમેરિકાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે પ્લાસ્ટિક સ્ટ્રોના સ્થાને પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવા નિર્દેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ AIમાં અમેરિકા અને ચીનનો દબદબો છતાં ફ્રાંસે સમિટ માટે ભારતની કેમ પસંદગી કરી? થશે આ લાભ

ટ્રમ્પને પેપર સ્ટ્રો સામે વાંધો

ટ્રમ્પ માને છે કે, પેપર સ્ટ્રોને મેનેજ કરવી મુશ્કેલ છે. તેમજ તે ગરમ પીણામાં લાંબો સમય સુધી ટકી શકતી નથી. પીગળી જાય છે. આથી પ્લાસ્ટિક સ્ટ્રોનો ઉપયોગ કરવા પર ટ્રમ્પ દબાણ કરી રહ્યા છે. 

ટ્રમ્પના આ દબાણ પાછળનું વાસ્તવિક કારણ

2020માં ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પ્રચારમાં પેપર સ્ટ્રોનો વિરોધ કરતાં બ્રાન્ડેડ પ્લાસ્ટિક સ્ટ્રો વેચ્યા હતા, તેમના 10 પ્લાસ્ટિક સ્ટ્રો પેકની કિંમત 15 ડૉલર હતી. જેના વેચાણથી ટ્રમ્પે આશરે 5 લાખ ડૉલરની કમાણી કરી હતી. અમેરિકામાં દર વર્ષે ઉપયોગમાં લેવાતાં ડિસ્પોઝેબલ સ્ટ્રોની સંખ્યા 50 કરોડ છે. ટ્રમ્પે પેપર સ્ટ્રોને લિબરલ દર્શાવી પોતાની જ ઉત્પાદિત પ્લાસ્ટિક સ્ટ્રોના વેચાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેના માટે તેમણે ‘મેકિંગ સ્ટ્રો ગ્રેટ અગેન’ અભિયાન પણ ચલાવ્યું હતું.

બિઝનેસમેન ટ્રમ્પ પર્યાવરણ પ્રેમી નહીં

બિઝનેસમેન ટ્રમ્પ  હંમેશા બિઝનેસને જ પ્રાધાન્ય આપતાં જોવા મળ્યા છે. તેઓએ અનેક વખત પર્યાવરણની સુરક્ષા માટેના માપદંડોનો વિરોધ કર્યો છે. ગ્રીન ન્યૂ ડીલનો પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ 2017માં જ્યારે ટ્રમ્પ પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા હતાં, ત્યારે પણ તેમણે બરાક ઓબામાના પર્યાવરણલક્ષી નિર્ણયોમાં ફેરફાર કર્યો હતો. પ્લાસ્ટિક અને તેનાથી ફેલાતાં પ્રદુષણ પ્રત્યે કોઈ ગંભીરતા દર્શાવી ન હતી, તેમજ બરાક ઓબામાની ટીકા કરી હતી કે, દેશમાં પ્લાસ્ટિક સિવાય અન્ય ઘણાં જરૂરી મુદ્દા છે, આપણે તેના પર ધ્યાન આપવું જોઈએ.

પેપર સ્ટ્રોની જગ્યાએ પ્લાસ્ટિક સ્ટ્રો, ટ્રમ્પના અજીબોગરીબ આદેશનો રોચક ઇતિહાસ 2 - image


Google NewsGoogle News