115 વર્ષના ઈતિહાસમાં દુનિયામાં પહેલીવાર સિઝેરિયન થકી ગોરિલાનો જન્મ, અમેરિકાના ઝૂની ઘટના

માદા ગોરિલાને પ્રિક્લેમ્પસિયા હોવાથી ટેક્સાસના ફોર્ટ વર્થ ઝૂના અધિકારીઓએ સિઝેરિયનનો નિર્ણય લીધો હતો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
115 વર્ષના ઈતિહાસમાં દુનિયામાં પહેલીવાર સિઝેરિયન થકી ગોરિલાનો જન્મ, અમેરિકાના ઝૂની ઘટના 1 - image


Baby gorilla c-section delivery:  અમેરિકાના ટેક્સાસ સ્ટેટના ફોર્ટ વર્થ ઝૂમાં પશુ ચિકિત્સકોએ સિઝેરિયન કરીને એક પ્રિમેચ્યોર ગોરિલાની ડિલિવરી કરાવી છે. 115 વર્ષના ઈતિહાસમાં દુનિયામાં પહેલીવાર સિઝેરિયન થકી ગોરિલાનો જન્મ થયો છે. આ અંગે ફોર્ટ વર્થ ઝૂએ જણાવ્યું હતું કે, ‘માદા ગોરિલા સેકાનીમાં પ્રિક્લેમ્પસિયાના લક્ષણો દેખાયા હતા. આ એક ગંભીર બ્લડપ્રેશરની બિમારી છે, જે ગર્ભાવસ્થા વખતે માણસોની જેમ વાનર પ્રજાતિઓમાં પણ જોવા મળે છે. સેકાનીના બચ્ચાંનું નામ જમીલા રખાયું છે. બેબી જમીલાની ચારથી છ અઠવાડિયા વહેલી પ્રસૂતિ કરાઈ હતી.’  

પ્રાણી સંગ્રહાલયે સિઝેરિયનનો વીડિયો કર્યો શેર 

આ બાબતની જાણકારી આપતા ઝૂ સંચાલકોએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, 'પ્રિક્લેમ્પસિયાના કારણે સેકાની અને જમીલાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઝૂ સ્ટાફ અને પશુ ચિકિત્સકોએ સ્થાનિક પ્રસૂતિ નિષ્ણાત અને નિયોનેટોલોજિસ્ટની સલાહ લીધી હતી. બાદમાં અમે  સ્થિતિની ગંભીરતા સમજીને સિઝેરિયન કરવાનો નિર્ણય લીધો. જન્મ સમયે બેબી જમીલાનું વજન આશરે 1.3 કિલો હતું.’ પ્રાણી સંગ્રહાલયે ગોરિલાને જન્મ આપતો સિઝેરિયનનો એક વીડિયો શેર કર્યો હતો.  

જમીલાની સંભાળ લેવાની જવાબદારી સ્ટાફે લીધી

આ ઓપરેશન પછી માદા ગોરિલા સેકાની સંપૂર્ણ સ્વસ્થ હતી, પરંતુ તે પ્રિમેચ્યોર બેબી ગોરિલાની સંભાળ રાખી શકે તેવા કોઈ જ સંકેત ના દેખાયા. આ કારણસર ઝૂ સ્ટાફ અને પશુ ચિકિત્સકોએ 24 કલાક જમીલાની સંભાળ લેવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી હતી. હાલ ઝૂ સ્ટાફ માતા ગોરિલા અને તેના બચ્ચાંના આખા દિવસના ખાનપાન પર ધ્યાન આપી રહ્યો છે. આ ઉપરાંત બેબી ગોરિલાની સંભાળ માટે ઝૂમાં એક ઇન્ક્યુબેટર પણ ગોઠવવામાં આવ્યું છે.  

પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રી રોગ ચિકિત્સકની મદદ લેવાઈ

સેકાનીની ડિલિવરીમાં મદદ કરવા માટે ફોર્ટ વર્થ સ્થિત પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. જેમી વોકર એરવિનને પણ ટેક્સાસ બોલાવાયા હતા. ઝૂ સંચાલકોના મતે, જેમી વોકર એરવિન ઘણાં વર્ષોથી ઝૂ સાથે સંકળાયેલા છે. તેમણે ગોરિલાની ડિલિવરીમાં મદદ કરવા તબીબી ટીમને સલાહ સૂચનો કર્યા હતા. માણસો અને વાનર પ્રજાતિમાં સૌથી વધુ જૈવિક સમાનતા છે. આ કારણસર જ અમે વાનરો માટે પણ ફિઝિશિયનની સલાહ લેતા રહીએ છીએ.  

લુપ્ત પ્રજાતિની સંભાળમાં મદદ સન્માનની વાત

ડૉ. એરવિને કહ્યું કે, સિઝેરિયન દ્વારા સેકાનીની ડિલિવરીમાં મદદ કરવી તે એક સ્ત્રી રોગ નિષ્ણાત તરીકેની મારી કારકિર્દીની સૌથી ઉત્તમ ક્ષણ હતી. આ લુપ્ત થઈ રહેલી પ્રજાતિની સંભાળમાં મદદ કરવી એ મારા માટે સન્માનની વાત છે.

115 વર્ષના ઈતિહાસમાં દુનિયામાં પહેલીવાર સિઝેરિયન થકી ગોરિલાનો જન્મ, અમેરિકાના ઝૂની ઘટના 2 - image



Google NewsGoogle News