110 વ્યક્તિઓ સાથેનું અઝરબૈજાનનું વિમાન કઝાખસ્તાનમાં તૂટી પડયું
- મૂળ તો વિમાન આઝરબૈજાનનાં બાકુથી ચેચાન્યાનાં ગ્રોઝની જતું હતું ધુમ્મસને લીધે કઝાખસ્તાન તરફ વાળવું પડયું હતું
બાકુ : ૧૦૫ પ્રવાસીઓ અને બે પાયલોટસ તથા ત્રણ અન્ય ક્રૂ મેમ્બર્સ સાથેનું આઝરબૈજાન એરલાઇન્સનું વિમાન બાકુથી ચેચાન્યાના ગ્રોઝની તરફ જતું હતું. પરંતુ ભારે ધુમ્મસને લીધે તેને કાઝાખસ્તાન તરફ વાળવું પડયું, ત્યાં ચાકતાઉ વિમાન ગૃહે ઉતરતાં તૂટી પડી સળગી ઉઠયું હતું.
આ ઘટના જોતાં તુર્તજ લાઈબંબાઓ અને અગ્નિશામક પ્રવાહીઓ સાથેના વાહનો ત્યાં પહોંચી ગયા હતાં અને આગ કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કોઈ બચ્યું હોવાની સંભાવના દેખાતી નથી તેમ કાઝાક મિડીયાએ જણાવ્યું હતું.
આ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી પરંતુ તે માટે વિમાનનાં બ્લેક-બોક્સમાં કોઈ માહિતી હોય તો તે ઉપરથી કારણ જાણી શકાશે.
હાલ પ્રાપ્ય માહિતી પ્રમાણે તે વિમાનના ચાલકે આકતાઉ વિમાનગૃહના સંચાલકોનો સંપર્ક કરી 'ઈમર્જન્સી લેન્ડીંગ' માટે પરવાનગી માંગી હતી જે તુર્તજ આપવામાં પણ આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તે વિમાન આકતાઉનાં વિમાનગૃહે રન વે ઉપર ઉતરતાં જ તૂટી પડયું હતું અને સળગી પણ ઉઠયું હતું. વિમાનનો ભંગાર જોતાં તેવું અનુમાન બંધાઈ રહ્યું છે કે, વિમાનમાં રહેલી કોઈપણ વ્યક્તિ જીવંત હોવાની કોઈ શક્યતા દેખાતી નથી. જોકે આઝબૈજાનના અધિકારીઓએ તે વિષે અત્યારે કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.