ભારત બળતામાં ઘી હોમી રહ્યુ છે, આર્મેનિયાને હથિયારો આપવા બદલ ભારત પર અકળાયા અઝરબૈજાનના રાષ્ટ્રપતિ
image : Freepik
બાકૂ,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર
ઈઝરાયેલ-હમાસ તેમજ રશિયા-યુક્રેનની જેમ અઝરબૈજાન અને આર્મેનિયા પણ આમને સામને છે.
બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલમાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે ફ્રાંસ અને ભારત પર ગુસ્સો ઠાલવ્યો છે. અલીયેવે કહ્યુ છે કે, આર્મેનિયાને ફ્રાંસ અને ભારત ખતરનાક હથિયારો પૂરા પાડી રહ્યા છે અને તેના કારણે આ વિસ્તારમાં એક વધુ યુધ્ધ શરુ થઈ શકે છે.
બાકૂમાં યોજાયેલા સંમેલનમાં તેમણે કહ્યુ હતુ કે, જો આર્મેનિયાને ફ્રાંસ અને ભારતના હથિયારો મળશે તો અઝરબૈજાને પોતાના લોકોની સુરક્ષા માટે પ્રતિક્રિયા આપવી પડશે અને તેના કારણે નવેસરથી લશ્કરી સંઘર્ષ શરુ થશે. જે આ વિસ્તારની શાંતિ માટે યોગ્ય નહીં હોય એટલે અમે પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છે.
અલીયેવે કહ્યુ હતુ કે, ભારત અને ફ્રાંસ આર્મેનિયાને હથિયારો પૂરા પાડીને આગમાં ઘી નાંખવાનુ કામ કરી રહ્યા છે. આ બંને દેશો આર્મેનિયામાં એક ભ્રમ ફેલાવી રહ્યા છે કે, તેમના હથિયારોનો ઉપયોગ કરીને આર્મેનિયા ફરી એક વખત કારાખાબ વિસ્તારને અમારી પાસેથી પાછો મેળવી શકે છે. પણ એ થવાનુ નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતે આર્મેનિયાના મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ પિનાકા અને બીજા ઘણા હથિયારો પૂરા પાડ્યા છે. નાગોર્નો કારાખાબ વિસ્તાર માટે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 2020 અને 2022માં યુધ્ધ થઈ ચકુયા છે. હાલમાં આ વિસ્તાર પર અઝરબૈજાનનો કબ્જો છે. અઝરબૈજાનને તુર્કી તેમજ પાકિસ્તાન મદદ કરી રહ્યા છે.