આર્મેનિયાને ભારતની મદદ જોઈને અઝરબૈજાન બહાવરુ બન્યુ, કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
image : Twitter
નવી દિલ્હી,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં ભારતે આર્મેનિયાને ટેકો આપીને હથિયારો પણ પૂરા પાડવા માંડ્યા છે.
જેને લઈને હવે અઝરબૈજાન બહાવરુ બન્યુ છે. અઝરબૈજાનના ભારત સ્થિત રાજદૂત અશરફ શિકાલિયેવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, કાશ્મીરના મુદ્દે અમારુ વલણ સ્પષ્ટ છે અને આ મુદ્દે અમે છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનનુ સમર્થન કરી રહ્યા છે. અમે કાશ્મીર મુદ્દાનો ઉકેલ આંરતરાષ્ટ્રીય કાયદા પ્રમાણે અને યુએનના ઠરાવ પ્રમાણે આવે તેવુ ઈચ્છી રહ્યા છે. સાઉથ એશિયામાં શાંતિ માટે કાશ્મીર સમસ્યાનો ઉકેલ બહુ જરુરી છે.
ભારતે આર્મેનિયાને કરેલી મદદના કારણે અઝરબૈજાને ભારતનુ નાક દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનુ મનાઈ રહ્યુ છે.
જોકે આ પહેલા પણ અઝરબૈજાને 2020માં ખુલ્લેઆમ પાકિસ્તાનનુ સમર્થન કર્યુ હતુ અને તે સમયે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બેઠક યોજીને કાશ્મીર મુદ્દે સમર્થન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, કાશ્મીર મુદ્દે અમે હંમેશા પાકિસ્તાનની સાથે જ છે.
હવે ભારતે તેનો વળતો જવાબ આર્મેનિયાને મદદ કરીને આપી દીધો છે. ભારત પિનાકા મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ સહિતના હથિયારો આર્મેનિયાને પૂરા પાડી રહ્યુ હોવાથી અઝરબૈજાનને મરચા લાગી રહ્યા છે. જોકે અઝરબૈજાને ફરી કાશ્મીર મુદ્દો છેડયો છે ત્યારે ભારત વધારે આક્રમક વલણ અપનાવે તેવી સંભાવનાથી ઈનકાર થઈ શકે તેમ નથી.