વિમાનના બે કટકાં, દૂર દૂર સુધી વિખરાઈ લાશો, કઝાકિસ્તાનની દુર્ઘટના પછી આવા હતા ભયાનક દ્રશ્યો
Azerbaijan Plane Crash: બુધવારે (25 ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તૌ એરપોર્ટની નજીકમાં જ અઝરબૈઝાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ વિમાનમાં 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 42 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 25 લોકોના જીવ બચ્યા છે. આ વિમાન બાકુથી રશિયાના ચેચન્યા જઈ રહ્યું હતું ત્યારે એક પક્ષી પ્લેન સાથે અથડાતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રનવે પર અથડાયા બાદ વિમાનના બે કટકાં થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રેસ્ક્યૂ ટીમના લોકો પ્લેનના કાટમાળમાંથી ઈજાગ્રસ્તો અને મુસાફરોના મૃતદેહોને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. અકસ્માત બાદ મુસાફરોના મૃતદેહ દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા. ઈજાગ્રસ્તો મદદ માટે ચીસો પાડતા જોઈ શકાય છે. પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઇ જતાં અગનગોળામાં ફેરવાઈ ગયું હતું.
અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયા જઇ રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન જ વિમાન ક્રેશ થઇ ગયું હતું.
અમુક લોકો જીવતા બચી ગયા
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઈ દેશના ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી જણાવાયું કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા. હાલમાં તમામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.