અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનુ પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ ગિફ્ટ
image : Social media
નવી દિલ્હી,તા.29 નવેમ્બર 2023,બુધવાર
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આવી રહી છે.
નેપાળની નદીઓમાંથી મંદિર માટે વિશેષ પથ્થરો આવ્યા છે તો થાઈલેન્ડમાંથી પણ બે નદીઓનુ પાણી મોકલવામાં આવ્યુ છે. હવે થાઈલેન્ડ એક વિશેષ પ્રકારની ગિફટ મંદિરમાંથી મોકલી રહ્યુ છે.
વિશ્વ હિન્દુ પરિષદના થાઈલેન્ડના અધ્યક્ષ સુશીલ કુમાર સરાફના કહેવા અનુસાર થાઈલેન્ડથી વિશેષ માટી અયોધ્યા મોકલવામાં આવશે. થાઈલેન્ડ અને ભારત વચ્ચે મજબૂત સાંસ્કૃતિક નાતો રહેલો છે. બેંગકોકમાં અમે શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ પણ બનાવી છે. જેથી લોકો દર્શન કરી શકે. થાઈલેન્ડમાં તમને મોટાભાગના ઘરોમાં ભગવાન ગણેશજીની મૂર્તિ જોવા મળી જશે. થાઈલેન્ડના ઘણા મંત્રાલયોના સિમ્બોલ પણ હિન્દુ સિમ્બોલ સાથે મળતા આવે છે. જેમાં ગરુડનો સમાવેશ થાય છે. અહીંયા બ્રહ્માજીના મંદિરના દર્શન કરવા માટે લોકો આવે છે. થાઈલેન્ડ હિન્દુઓ માટે એક સારી જગ્યા છે અને ભગવાન રામના વંશજો અહીં શાસન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યાના રામ મંદિર માટે અત્યાર સુધીમાં 155 દેશોમાંથી પાણી મોકલવામાં આવ્યુ છે. જેમાં ફિજી, મંગોલિયા, ડેનમાર્ક, ભૂટાન, રોમાનિયા, ગ્રીસ, અલ્બેનિયા, કોમોરોસ, ટુવાલુ જેવા નાના મોટા દેશોનો સમાવેશ થાય છે.