અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, અમેરિકામાં દરેક હિન્દુ ઘરમાં પાંચ દીપક પ્રગટાવાશે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, અમેરિકામાં દરેક હિન્દુ ઘરમાં પાંચ દીપક પ્રગટાવાશે 1 - image


Image Source: Twitter

વોશિંગ્ટન, તા. 14 ડિસેમ્બર 2023

અયોધ્યામાં બની રહેલા નવા રામ  મંદિરમાં 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જેની ખુશી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં સ્થાયી થયેલા હિન્દુઓમાં પણ જોવા મળી રહી છે.

અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયે પણ આ દિવસે ઉજવણી માટે તૈયારીઓ કરવા માંડી છે. પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે દરેક હિન્દુ ઘરમાં પાંચ દીપ પ્રગટાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.ઉપરાંત આ દિવસે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. અલગ અલગ શહેરોમાં રેલીઓ પણ નીકળશે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનુ જીવંત પ્રસારણ પણ થશે.

શિકાગોમાં હિન્દુ સમુદાયના નેતા ભરત બારાઈએ કહ્યુ હતુ કે, અમારા બધા માટે આ એક સપનુ સાકાર થવા જેવુ છે. અમે આ જીવનમાં આ દિવસ જોઈ શકીશું તેવુ ક્યારેય વિચાર્યુ નહોતુ. રામ મંદિરનુ ઉદઘાટન એ ઉજવણી કરવાનો મોકો છે. ભૂતકાળમાં હિન્દુ અમેરિકનોએ મોટી સંખ્યામાં રામ મંદિર માટેના આંદોલનમાં ભાગ લીધો હતો.

બીજી તરફ અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદે આ સમારોહને ધ્યાનમાં રાખીને એક વેબસાઈટ લોન્ચ કરી છે. સાથે સાથે દરેક હિન્દુ ઘરમાં પાંચ દીપ પ્રગટાવવા માટે અપીલ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદનુ કહેવુ છે કે, હિન્દુ અમેરિકનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર હેવા માટે અયોધ્યા જવા માંગે છે. અમેરિકામાં પણ ઘણા લોકોને સમારોહ માટે નિમંત્રણ આપવામાં આવ્યુ છે.

અયોધ્યામાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાવિકો રામલલાના આ મંદિરમાં દર્શન કરી શકશે. રોજ દોઢ લાખ ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.



Google NewsGoogle News