વિક્ટોરિયા ખાતે નાઝી પ્રતીક સ્વસ્તિકના સાર્વજનિક પ્રદર્શન પર પ્રતિંબધ મુકાયો, થશે લાખોનો દંડ
- ઓસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા રાજ્ય નાઝી પ્રતીક સ્વસ્તિક કે હેકેનક્રેજના સાર્વજનિક પ્રદર્શન પર પ્રતિબંધ લાગુ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું
વિક્ટોરિયા, તા. 23 જૂન 2022, ગુરૂવાર
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા નંબરના રાજ્ય વિક્ટોરિયાની સંસદે મંગળવારે મોડી રાતે એક કાયદો પસાર કરીને નાઝી સ્વસ્તિક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. નવા કાયદા પ્રમાણે જો કોઈ સાર્વજનિકરૂપે નાઝી સ્વસ્તિકનું પ્રદર્શન કરશે તો તેણે 15,213 ડોલર (11 લાખ 91 હજાર 672 રૂપિયા)નો દંડ ભરવો પડશે. આ ઉપરાંત તે વ્યક્તિને 12 મહિનાની જેલની સજા પણ ફટકારવામાં આવશે.
પ્રતિબંધ લાગુ કરનારૂં પ્રથમ રાજ્ય
જોકે આ નવા કાયદામાં અમુક ધાર્મિક કે સાંસ્કૃતિક સંદર્ભમાં સ્વસ્તિકના પ્રદર્શન પર કોઈ જ પ્રતિબંધ નથી મુકવામાં આવ્યો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા રાજ્ય નાઝી પ્રતીક સ્વસ્તિક કે હેકેનક્રેજના સાર્વજનિક પ્રદર્શન પર પ્રતિબંધ લાગુ કરનારૂં પ્રથમ રાજ્ય બની ગયું છે.
વિક્ટોરિયાના સ્થાનિક યુવાનોમાં વધી રહેલા કટ્ટરપંથના કારણે રાજ્યની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ બધા વચ્ચે રાજ્ય દ્વારા નાઝી સ્વસ્તિક પર પ્રતિબંધ મુકવા માટેનો કાયદો પસાર કરવામાં આવ્યો છે.
યહૂદીઓના અધિકારો માટે કામ કરતા એન્ટી ડિફેમેશન કમિશનના અધ્યક્ષ દ્વિર અબ્રામોવિચે જણાવ્યું કે, 'વાત એમ છે કે, ફરી ગોરા લોકોના વર્ચસ્વ અને નવ નાઝીવાદનું પુનરૂત્થાન થઈ રહ્યું છે. તે દરેક રાજ્યમાં ચિંતાનું કારણ છે. અમારા આત્માને તોડવાનો પ્રયત્ન કરી રહેલી ખરાબ શક્તિઓને આ કાયદા દ્વારા એવો મેસેજ મળશે કે, કાયદો હવે તેમના પક્ષમાં નથી.'
અબ્રામોવિચે 5 વર્ષ પહેલા નાઝી પ્રતીક પર પ્રતિબંધ મુકવા માટેના એક રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી હતી.