ઓસ્ટ્રેલિયામાં મંદિરો પરના હુમલાને અમે બહુ ગંભીરતાથી લઈ રહ્યા છેઃ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 14 ડિસેમ્બર 2023
ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોને છાશવારે ટાર્ગેટ બનાવવાની ઘટનાઓને લઈને ભારત સ્થિત ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને કહ્યુ છે કે, ઓસ્ટ્રેલિયાની સરકાર હિન્દુ મંદિરો પરના હુમલાને ગંભીરતાથી લઈ રહી છે અને આ પ્રકારની ઘટનાઓ સાથે કામ પાર પાડવાનો અમારી પોલીસને બહોળો અનુભવ છે. અલગ અલગ એજન્સીઓ મંદિરો પરના હુમલા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
ફિલિપ ગ્રીને કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયામાં મંદિરો પરના હુમલા બાદ કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ નથી. કારણકે અમે આ પ્રકારના હુમલા બાદ ગંભીરતાથી કાર્યવાહી કરતા હોઈએ છે.
નવી દિલ્હીના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા હાઈ કમિશનર ફિલિપ ગ્રીને કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનના વધતા જતા પ્રભાવને ખાળવા માટે અમે ભારતની સાથે છે. અમે ભારતનુ સન્માન કરીએ છે. ભારત સાથે અમારા સબંધો બહુ મજબૂત છે અને ઓસ્ટ્રેલિયાની સરકાર પણ તેના માટે ચિંતિત છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના સબંધો અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા છે. હું અહીંયા આરામ કરવા માટે નહીં પણ આ સબંધોને મજબૂત બનાવવા માટે આવ્યો છે. વડાપ્રધાન મને ભારત મોકલ્યો હતો ત્યારે ભારત સાથેના સબંધોને વધારે મજબૂત બનાવવા માટે ખાસ સૂચના આપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશોના વેપારમાં પચાસ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે અમે આર્થિક સહયોગ અને વેપાર કરાર પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ત્રણ મંદિરો પર હુમલા થયા હતા. જેમાં મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારાઓ પણ લખાયા હતા અને એક મંદિરમાં તોડફોડ પણ કરાઈ હતી.