ઓસ્ટ્રેલિયામાં અફરા-તફરી, એક કરોડ લોકોની ઈન્ટરનેટ અને ફોન સર્વિસ ખોરવાઈ, સાયબર એટેકની આશંકા
મેલબોર્ન,તા.8 નવેમ્બર 2023,બુધવાર
ઓસ્ટ્રેલિયા પર મોટો સાયબર એટેક થયો હોવાની આંશકા વ્યક્ત કરાઈ રહી છે. કારણકે ઓસ્ટ્રેલિયામાં અચાનક એક કરોડથી વધારે લોકોની ઈન્ટરનેટ અને ફોન સેવાઓ ખોરવાઈ ગઈ છે.
કોઈના ફોન અને ઈન્ટરનેટ કામ નથી કરી રહ્યા અને લોકો એક બીજાનો સંપર્ક પણ નથી કરી શકતા. બેન્કિંગ અને બીજી ઓનલાઈન સેવાઓ પણ ખોરંભે પડી છે.
ઓસ્ટ્રેલિયાના જાણકારોના કહેવા પ્રમાણે ઈન્ટરનેટ કે ફોન સર્વિસ બંધ થાય તેવી કોઈ ખામી જોવા મળી નહોતી. આ અચાનક જ થયુ છે અને તે હેકિંગ અથવા સાયબર એટેકનુ પરિણામ હોઈ શકે છે.
દેશની સૌથી મોટી ટેલિકોમ્યુનિકેશન કંપની પૈકીની એક ઓપ્ટસે કહ્યુ હતુ કે, સેવાઓ કેમ ખોરંભે પડી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈ પેમેન્ટ સિસ્ટમ તેમજ ઈમરટન્સી ટેલિફોન સર્વિસ પણ ખોરવાઈ છે. અત્યારે અમારી ટીમ દરેક શક્યતા પર કામ કરી રહી છે. જોકે અત્યાર સુધી જે પણ પ્રયાસો અમે કર્યા છે તેમાં મૂળ સમસ્યાનુ સમાધાન થયુ નથી. શક્ય છે કે, તેની પાછળ હેકર્સ કે સાયબર એટેક જવાબદાર છે.
ઓસ્ટ્રેલિયાની સરકારનુ કહેવુ છે કે, મોબાઈલ, લેન્ડ લાઈન અને ઈન્ટરનેટ સહિતની તમામ સેવાઓ પર અસર પડી છે. હોસ્પિટલો પણ ફોન રિસિવ કરી શકતા નથી અને ઓપ્ટસના નેટવર્ક પર ઈમરજન્સી સર્વિસ પર પછણ કોલ કરી શકાતો નથી. મેલબોર્ન શહેરમાં તો તેના કારણે ટ્રેન સેવાઓ ઠપ થઈ છે અને્ અફરા તફરીનો માહોલ છે.
ઓપ્ટસ કંપનીએ આ માટે ગ્રાહકોની માફી માંગી છે.