ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, સ્ટુડન્ટ વિઝા ફીમાં કર્યો તોતિંગ વધારો
Image Source: Twitter
Australia Visa Rules : ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે સ્ટુડન્ટ વિઝા ફી વધારીને બમણી કરતા વધુ કરી દીધી છે. આ વ્યવસ્થા એક જુલાઈથી લાગુ પણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝની સરકારે આ પગલું તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ધરખમ વધારા બાદ ભર્યું છે. હવે તેની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે, કારણ કે, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બીજા નંબર પર છે. સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં આ સંખ્યા 1.22 લાખ હતી. હવે તેમને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.
89 હજાર રૂપિયા વિઝા ફી વસૂલવામાં આવશે
ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ. 39,527) થી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ. 89,059) કરી દીધી છે. આ સાથે જ વિઝિટર વિઝા ધારકો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારકો વિદ્યાર્થી વિઝા માટે અરજી કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રી ક્લેર ઓ નીલે કહ્યું કે આ ફેરફારોથી હાઉસિંગ માર્કેટ પર પડી રહેલા દબાણને ઘટાડી શકાશે. માર્ચના ડેટા પ્રમાણે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં માઈગ્રેશન 60% વધીને 5,48,800 થઈ ગયું હતું.
અમેરિકાથી પણ મોંઘા થયા સ્ટુડન્ટ વિઝા
નવી વ્યવસ્થા બાદ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા અમેરિકા અને કેનેડા કરતા મોંઘા થઈ ગયા છે. અમેરિકામાં હાલમાં ફી 185 ડોલર અને કેનેડામાં 150 કેનેડિયન ડોલર છે. ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યું કે, આ ફેરફારથી વિઝા નિયમોમાં રહેલી ખામીઓને દૂર કરવામાં મદદ મળશે. આનાથી એ પણ ફાયદો થશે કે, જેન્યુઈન વિદ્યાર્થીઓ જ વિઝા મળી શકશે. તેનાથી દેશના આર્થિક વિકાસને પણ વેગ મળશે. બીજી તરફ કેનેડા પણ આ પ્રકારના ફેરફાર કરી ચૂક્યુ છે. ત્યાં પણ નિયમોને સખત બનાવી દેવામાં આવ્યા છે, તેનાથી પણ ભારતના હજારો વિદ્યાર્થીઓને અસર પડી રહી છે.