આતંકી પન્નુની હત્યાના કાવતરાના આરોપ બાદ હવે FBIના ડાયરેકટર ભારતની મુલાકાતે આવશે
image : twitter
ન્યૂયોર્ક,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર
ભારત સામે ઝેર ઓકતા રહેલા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુની અમેરિકાની ધરતી પર હત્યા કરવાનુ કાવતરુ ઘડાયુ હોવાનુ અને તેમાં ભારતીય અધિકારીનો હાથ હોવાનો આરોપ મુકાયા બાદ ભારત અને અમેરિકાના સબંધોમાં નવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે.
અમેરિકા સતત માંગ કરી રહ્યુ છે કે, જવાબદાર લોકો સામે ભારત સરકાર કાર્યવાહી કરે. આ મામલો ગરમાયેલો છે ત્યારે અમેરિકાની જાસૂસી સંસ્થા એફબીઆઈના ડાયરેકટર ક્રિસ્ટોફર રે આગામી સપ્તાહે ભારતની મુલાકાત લેવાના છે.
ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, અમેરિકા અને ભારતના સબંધોમાં આવી રહેલી મજબૂતીનો આ પૂરાવો છે. ભારત એકલો દેશ છે કે જેની અમેરિકન નાણા મંત્રી જેનેટ યેલેન ચાર વખત, અમેરિકન વિદેશ મંત્રી બ્લિન્કને ત્રણ વખત, સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન બે વખત મુલાકાત લઈ ચુકયા છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા સાઈબર સિક્યુરિટી, ટેરરિઝમ, નાર્કોટિક્સ જેવા મુદ્દા પર સંયુક્ત રીતે કામ કરી રહયા છે અને તેના સંદર્ભમાં એફબીઆઈના ડાયરેકટર ભારત આવી રહ્યા છે.
જોકે પન્નુની હત્યાના કાવતરાની તપાસ એફબીઆઈ કરી રહી છે ત્યારે એવી અટકળો થઈ રહી છે કે, એફબીઆઈ ડાયરેકટર પોતાની મુલાકાત દરમિયાન આ મુદ્દો પણ ઉઠાવી શકે છે. કારણકે પન્નુની હત્યાના કાવતરાનો ખુલાસો થયા બાદ ભારત સમક્ષ તપાસની માંગની સાથે સાથે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડાયરેકટર વિલિયમ બર્ન્સને પણ ભારત મોકલ્યા હતા. અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોનાથન ફાઈનર પણ આ સપ્તાહે ભારત આવી ચુકયા છે.
એ પછી વ્હાઈટ હાઉસે કહ્યુ હતુ કે, ફાઈનરે ભારત દ્વારા પન્નુની હત્યાના ષડયંત્રની તપાસનુ મહત્વ કેટલુ છે તે બાબત પર ભારતના અધિકારીઓ સમક્ષ ભાર મુકયો હતો.