લેબેનોનમાં થયેલા હુમલા ગાઝા શાંતિ મંત્રણા તોડી પાડવા જ કરાયા હતા : એન્ટની બ્લિન્કેન
- 'જ્યારે જ્યારે યુદ્ધ વિરામની વાત આવે છે, ત્યારે ત્યારે એવી ઘટનાઓ બને છે કે તેથી સમગ્ર ગતિવિધિ પાટા ઉપરથી ઉતરી જાય છે'
કેરો : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ગાઝામાં શાંતિ સ્થાપવા માટે હમાસ-ઇઝરાયલ વચ્ચે શાંતિ મંત્રણાની વાત આવે છે, ત્યારે ત્યારે એવી ઘટનાઓ બને છે કે, યુદ્ધ વિરામ અને શાંતિ-મંત્રણાની વાત જ પાટા ઉપરથી ઉતરી જાય છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, ગઇકાલે લેબેનોનમાં થયેલા પ્રાણઘાતક પેજર-વિસ્ફોટો વિષે અમેરિકા તપાસ કરી રહ્યું છે. આ વિસ્ફોટો સાથે ઇઝરાયલનું નામ જોડવામાં આવ્યું છે તે પણ અમે જાણીએ છીએ.
બ્લિન્કન ઇઝરાયલ હમાસ યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે શરૂ કરાયેલા પ્રયાસોના ભાગરૂપે ગઇકાલે અહીં આવી પહોંચ્યા હતા ત્યારે પત્રકાર પરિષદને કરેલા સંબોધન દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, અમે જ્યારે જ્યાર યુદ્ધ વિરામ માટે મંત્રણાઓ કરીએ છીએ, ત્યારે ત્યારે એવી ઘટનાઓ બને છે જેથી સમગ્ર ગતિવિધિ પાટા ઉપરથી ઉતરી જાય છે.
તે સર્વ વિદિત છે કે, મંગળવારે હીઝબુલ્લાહ આતંકી જુથે લેબેનોનમાં અંગત પેજર્સનો ઉપયોગ કરી જે વિસ્ફોટો કર્યા હતા તેથી એક બાળક સહિત ૧૨ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતાં. જો કે, ઇઝરાયલે તો સ્પષ્ટત: કહ્યું નથી કે તે હુમલા પાછળ તેનો કોઈ હાથ નથી. તેણે તો તે પેજર એટેકસ અંગે પોતે જવાબદાર નથી તેવું પણ કહ્યું નથી.
ગત વર્ષની ૭મી ઓકટોબરે હમાસે દક્ષિણ ઇઝરાયલ પર અણચિંતવ્યો હુમલો કરી આશરે ૧૨૦૦ને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ૨૦ જેટલાને બંદીવાન બનાવી દીધા હતા. તેમનું અપહરણ કરી પોતાના વિસ્તારમાં પણ લઈ ગયા હતા. ત્યારથી જ ગાઝા યુદ્ધ શરૂ થયું છે. તેને લગભગ એક વર્ષ થવા આવ્યું છે, પરંતુ હજી તેમાં શાંતિ સ્થપાવાની શક્યતા દેખાતી નથી.