સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બાયડેને જી-20 શિખર પરિષદની મહત્વની સિદ્ધિઓની વાત કરી
- બાયડેને ભારત-મધ્ય પૂર્વ અને યુરોપને જે ઈકોનોમિક કોરિડોરનો ઉલ્લેખ કરવા સાથે આફ્રિકી દેશોને પણ પરિષદમાં સામેલ કરાયા હોવા પ્રત્યે ધ્યાન દોર્યું
યુનો : 'ફર્સ્ટ-સીટીઝન-ઓફ-ધ-વર્લ્ડ' કહેવાતા અમેરિકાના પ્રમુખપદે રહેલા જો બાયડેને આજે 'સંયુક્ત રાષ્ટ્ર' (યુનો)ની મહાસભાનાં ઉદઘાટન પ્રવચનમાં દિલ્હીમાં યોજાયેલી જી-૨૦ શિખર પરિષદનો ઉલ્લેખ કરતાં તેમાં મળેલી મહત્વની સિદ્ધિઓની વાત કરી હતી. આ પરિષદ દરમિયાન ભારત-મધ્યપૂર્વ- અને યુરોપને જોડતા ઈકોનોમિક કોરિડોર તથા જી-૨૦માં આફ્રિકી સંઘને પણ સામેલ કરાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
૧૯૩ રાષ્ટ્રોના પ્રતિનિધિઓને સંશોધન કરતાં તેઓએ કહ્યું કે, 'આ મહત્ત્વપૂર્ણ પ્રયાસમાં અમે જી-૨૦માં સંયુક્ત આરબ અમીરાત, સઉદી અરબસ્તાન, જોર્ડન અને ઈઝરાયલ દ્વારા ભારતને યુરોપ સાથે જોડવાની ઘોષણા કરવામાં આવી હતી.' પરિણામે બંને મહાદ્વિપોમાં નિવેશની તકો વધવાની છે સાથે અધિક-ટકાઉ અને એકીકૃત મધ્યપૂર્વ બનાવવા તે અમારા પ્રયાસોનો ભાગ છે.
આ દર્શાવે છે કે ઈઝરાયલ કઈ રીતે પોતાના પાડોશી દેશો સાથે વધુ સામાન્ય અને આર્થિક સંબંધો સ્થાપી શકશે. જેની સકારાત્મક અને વ્યાવહારિક અસર પણ પડશે. તેમ પણ બાયડેને તેઓનાં આ ઉદઘાટન પ્રવચનમાં કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ નવો કોરિડોર ઈંડીયા-મિડલ ઈસ્ટ-યુરોપની ઘોષણા સંયુક્ત રીતે અમેરિકા, ભારત, સઉદી અરબસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, ઈટાલી, જર્મની અને ફ્રાંસના નેતાઓએ સંયુક્ત રીતે કરી હતી. આ નવો આર્થિક કોરિડોર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવના વિકલ્પ તરીકે જોવાઈ રહ્યો છે. તેથી એશિયા, રાતા-સમુદ્ર અને યુરોપ વચ્ચે સંપર્ક વધવા સાથે અને આર્થિક એકીકરણ દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
બાયડેને યુનોની જનરલ એસેમ્બલી (મહાસભા)ને કરેલાં આ ઉદઘાટન પ્રવચનમાં જી-૨૦માં આફ્રિકી યુનિયનને સામેલ કરાયાં હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમે આફ્રિકાના રાષ્ટ્રોનું સ્વાગત કરીએ છીએ... તેઓને ઉન્નત અને મજબૂત કરવા અમે કૃતનિશ્ચયી છીએ. 'કવોડ'નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં અમે રસીકરણથી શરૂ કરી સમુદ્રી સલામતી સુધીની તમામ બાબતો ઉપર લક્ષ્ય આપીએ છીએ. આ 'ક્વોડ'માં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત જોડાયેલાં છે. તે સર્વવિદિત છે.
જી-૨૦ દેશો સાથે આફ્રીકી યુનિયનનો એક સ્થાયી સભ્ય તરીકે લેવામાં આવતાં જી-૨૦ પહેલું વિસ્તરણ બની રહ્યું છે.
આ પૂર્વે યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે યુનોની સલામતી સમિતિના પાંચ સભ્ય દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને ચાયના પૈકી એક માત્ર અમેરિકાના જ પ્રમુખે આપેલી હાજરીનો ઉલ્લેખ કરતાં પોતાની નારાજગી દર્શાવતાં સોમવારે જણાવ્યું હતું કે, આ કોઈ મેળાવડો નથી, મહત્વના વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે, ત્યારે તો મહત્વના દેશોનાં ટોચના નેતાઓએ હાજર રહેવું જ જોઈએ, જે નથી થયું તે સૌથી વધુ દુ:ખદ બાબત છે.