કાંગો ગણરાજ્યમાં સેન્ય ભરતી કાર્યક્રમ દરમિયાન ભાગદોડ, ઓછામાં ઓછા 37 લોકોના મોત

યુવાઓની માંગને પગલે સેનામાં ભરતી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1500 ભરતી સામે હજારો લોકો આવ્યા

કેટલાક લોકોએ સ્ટેડિયમમાં બળજબરી ઘૂસવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભારે અફરાતફરી સર્જાતા આ ઘટના બની

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
કાંગો ગણરાજ્યમાં સેન્ય ભરતી કાર્યક્રમ દરમિયાન ભાગદોડ, ઓછામાં ઓછા 37 લોકોના મોત 1 - image

બ્રાઝાવિલે, તા.21 નવેમ્બર-2023, મંગળવાર

કાંગો ગણરાજ્યમાં સૈન્ય સ્ટેડિયમમાં ભાગદોડ દરમિયાન 37 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. અહીં 21 નવેમ્બરે ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી, ત્યારબાદ જોત જોતામાં ભાગદોડ શરૂ થવા લાગી. નાસભાગ દરમિયાન ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

સેનામાં ભરતી કાર્યક્રમમાં અસંખ્ય લોકો ઉમટી પડ્યા

અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના ઓરનાડો સ્ટેડિયમમાં મોટાપાયે સૈન્ય ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જેના કારણે ભારે ભીડ થઈ હતી. આ દરમિયાન કોઈક કારણોસર અચાનક નાસભાગ થવા લાગી, જેમાં ચગદાઈ જવાના કારણે 37 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. 

ભરતીનો છેલ્લો દિવસ હોવાથી ભારે ભીડ ઉમટી

ગૂંગળામણથી બચી ગયેલા એક યુવા સ્રાતક બ્રૈંડન ત્સેતોઉએ કહ્યું કે, આજે સવારે તે સ્ટેડિયમની સામે લાઈનમાં ઉભો હતો. સેનામાં ભરતીનો આજે છેલ્લો દિવસ હોવાથી અમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે મોડી રાત સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ બળજબરીથી અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઈજાગ્રસ્ત થયા, જેની અમે નિંદા કરી રહ્યા છીએ.

1500ની ભરતી સામે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

વડાપ્રધાન કાર્યાલયે પણ નિવેદન બહાર પાડી ઘટનામાં 37 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. તો બીજીતરફ સરકારી વકીલ નગાકાલાએ કહ્યું કે, હાલ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે અને મોડી રાત સુધી કાર્યક્રમ કેમ ચાલી રહ્યો હતો, તેની પુછપરછ કરાશે. અહીં સેના ભરતી કાર્યક્રમ દરમિયાન ભરતી કેન્દ્રો પર ગત સપ્તાહથી દરરોજ લાંબી લાઈનો થતી હતી. ઉપરાંત યુવા લોકો પણ સેનામાં સામેલ થવાની માંગ કરી રહ્યા છે. અહીં લગભગ દૈનિક 700 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે સેના દ્વારા માત્ર 1500 ભરતી જ બહાર પડાઈ છે.


Google NewsGoogle News