અમે બંધક બનાવેલા 40 લોકોના મોત થઈ ગયા છે, યુદ્ધ વિરામની વાટાઘાટો દરમિયાન હમાસનો દાવો
image : Socialmedia
Israel Hamas War Hostages : અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા ગાઝામાં હમાસની કેદમાં રહેલા બંધકોને છોડવા માટે તથા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ માટે સીઆઈએ દ્વારા હમાસની કેદમાં રહેલા 40 બંધકોને છોડવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેના જવાબમાં હમાસે એવી ચોંકાવનારી જાણકારી આપી હતી કે, જે 40 બંધકોને મુક્ત કરવાની વાત થઈ રહી છે તે હવે જીવતા જ નથી. અમારી પાસે હવે બહુ ઓછા લોકો બંધક તરીકે છે. જોકે હમાસે હવે કેટલા લોકો કેદમાં છે તેની સંખ્યા આપી નહોતી.
હમાસે કહ્યું હતું કે, જે બંધકો મોતને ભેટ્યા છે તેમાં મહિલાઓ બાળકો અને પહેલેથી બીમાર લોકોનો સમાવેશ થાય છે. સીઆઈએ દ્વારા છેલ્લા 6 સપ્તાહથી બંધકોની આઝાદી માટે હમાસ સાથે સમાધાનનો પ્રસ્તાવ મુકાઈ રહ્યો હતો. સીઆઈએના ડાયરેકટર બિલ બર્ન્સે રવિવારે ઈજિપ્તમાં ઈઝરાયેલની જાસૂસી સંસથા મોસાદના પ્રમુખ, કતારના વડાપ્રધાન અને ઈજિપ્તની જાસૂસી સંસ્થાના પ્રમુખ સાથે એક બેઠક યોજી હતી.
હમાસના પ્રતિનિધિમંડળે આ દરમિયાન ઈજિપ્ત અને કતારના અધિકારીઓ સાથે અલગ બેઠક યોજી હતી. હમાસે યુધ્ધ વિરામ માટે શરત મુકતા કહ્યુ હતુ કે, ઈઝરાયેલની જેલોમાં બંધ 700 પેલેસ્ટાઈની નાગરિકોને પણ ઈઝરાયેલે છોડવા પડશે. જેમાંથી 100 કરતા વધારે કેદીઓ ઈઝરાયેલી લોકોની હત્યા માટે આજીવાન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.
જોકે યુધ્ધ વિરામની વાટાઘાટો સફળ થશે કે નહીં તેને લઈને અનિશ્ચિતતા છે. કારણકે હમાસના એક અધિકારીએ કહ્યુ હતુ કે, યુધ્ધ વિરામ માટે ઈઝરાયેલ દ્વારા જે પ્રસ્તાવ મુકાઈ રહ્યો છે તે અમારી કોઈ પણ માંગને પૂરી કરી રહ્યો નથી. ઈઝરાયેલના પ્રસ્તાવ પર ફરી વિચારણા કરવામાં આવશે અને યુધ્ધ વિરામ માટે મધ્યસ્થી કરી રહેલા લોકોને અમે તેના પર જે પણ નિર્ણય લેવાશે તેની જાણકારી આપીશું.